
ભીતરેથી છે બળેલા માણસો.
ના જ પોતાને મળેલા માણસો.
ક્યાંક એ ભાગ્યે મળે છે આજ તો,
આપમેળે ઝળહળેલા માણસો.
રોજ બીજાનેય છળતા હોય છે,
કોઇ બીજાએ છળેલા માણસો.
ક્યાંક એ પથ્થર સરીખા, ક્યાંક છે,
મીણ માફક ઓગળેલા માણસો.
ક્યાંક ઉન્નત મસ્તકે છે તો વળી
ક્યાંક છે વાંકા વળેલા માણસો.
@ ગિરીશ રઢુકિયા
