જો ગયો વિશ્વાસ, પાછો ના જ આવ્યો.
આ સમય પણ રાસ, પાછો ના જ આવ્યો.
સુખમાં પાછળ રહે, હો દુઃખમાં આગળ,
મિત્ર એવો ખાસ પાછો ના જ આવ્યો.
એ પરત આવ્યા ખરાં એની જ મેળે,
જે હતો સહવાસ, પાછો ના જ આવ્યો.
ખૂબ પજવે છે મને શાંતિ હવે તો
મીઠડો કંકાસ પાછો ના જ આવ્યો.
રાજ – સત્તા ભોગવીને શું કરું હું?
જે ગમે, વનવાસ પાછો ના જ આવ્યો.
– ગિરીશ રઢુકિયા
