– નારન બારૈયા
ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર
છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે:
અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે
તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે આપની પાસેથી યોગ્ય પૈસા લઈને આપના ઉપર કેસ પણ કરી આપશું અને પાછો પણ ખેંચી આપશું
પ્રતિ નેતા શ્રી, આપનો અવાજ અને પર્સનાલીટી આપ નેતા હોવા છતાં અત્યંત સુંદર છે. અભિનેતા તરીકે ફિલ્મોમાં ટ્રાય કરો તો તુરંત ચાલી જાવ તેમ છો. નેતા તરીકે લોકપ્રિય બનવા માટે ચાહકોની જરૂર પડતી હોય તો પહેલું નામ મારું વિના મૂલ્ય લખી નાખજો. મારું નામ લખ્યા પછી સાથે કૌંસમાં લેખક પત્રકાર એમ ચોક્કસ લખજો કારણકે મારા નામની અનેક વ્યક્તિઓ ચોરી, ગુંડાગીરી, ખૂનાખૂની અને નેતાગીરી જેવા બદનામ વ્યવસાયમાં પણ બદનામ છે. તેથી ડૂપ્લીકેટથી સાવધાન રહેશો. વધુમાં જણાવવાનું કે અમે ભાડેથી ચાહકો આપવાનો ધંધો પણ કરીએ છીએ. તમારે મારા ઉપરાંત વધારે ચાહકોની જરૂર પડે તો ઓર્ડર નોંધાવશોજી. તમે ગમે તેવા બોગસ ભાષણો ગાશો/ભસશો તો પણ અમે પ્રોવાઇડ કરેલા ભાડૂતી ચાહકો તમારા વિવિધ ભાષણના વિવિધ પ્રકારે વખાણ કરશે. (કોઈ તમને સાંભળશે નહીં, માત્ર તમારા ગીતના વખાણ જ કરી આપશે.) વળી અમે કોપી-પેસ્ટ તેમ જ ક્લોનીંગના સિદ્ધાંતમાં માનતા નહીં હોવાથી દરેક ચાહક એકસરખી પ્રશંસા કરવાને બદલે અલગ અલગ શબ્દોમાં અલગ અલગ રીતે અને અલગ અલગ સમયે પ્રશંસા કરશે. તેના કારણે તમે ભાડૂતી ચાહકોથી લોકપ્રિય બન્યા હોવાનો આક્ષેપ વિશ્વમાં કોઈ જ કરી શકશે નહીં.
અમે પોતે પણ આક્ષેપ નહીં કરીએ કારણ કે અમે કોઈના પણ ઉપર આક્ષેપ કરવાના પૈસા લઈએ છીએ અને પછી જ તેના પર આક્ષેપ કરી આપીએ છીએ. જો તમારે પબ્લિસિટી મેળવવા માટે તમારા ઉપર કોઈ જાતનો આક્ષેપ કરાવવો હોય તો અમારી કંપનીના ભાડૂતી આક્ષેપકારો તમારા ઉપર તમે કહેશો તેવા આક્ષેપો કરી આપશે. જો કે અમે છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી. તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે અને તે આક્ષેપ પણ તમારે પોતે જ તૈયાર કરીને આપવા પડશે. કારણ કે તમને કેવા પ્રકારના આક્ષેપ તમારા ઉપર થાય એ ગમે છે તે તમે જ વધુ જાણતા હો. આ ઉપરાંત તમને બંધબેસતા આરોપો વિશે પણ તમે જ વધુ જાણતા હો તેથી તમારા ઉપર તમે જે આક્ષેપો કરાવવા માંગતા હો તે આરોપો તમે જ અમને લેખિતમાં આપો તે જરૂરી છે. અમે લેખિતનો જ આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે કાલે સવારે આક્ષેપ કરાવનાર પાર્ટી અમારા ઉપર એવો આક્ષેપ ન કરે કે અમે ઓર્ડર પ્રમાણેનો આક્ષેપ તેના પર કરી આપ્યો નથી. ( ગ્રાહકનો સંતોષ એ જ અમારો ધર્મ.)
તેમ છતાં જે રીતે એડવર્ટાઇઝમેન્ટ એજન્સીઓ કાચા મટીરીયલના આધારે જાહેરાતની ડિઝાઇન પણ યોગ્ય એક્સ્ટ્રા ભાવ લઈને તૈયાર કરી આપે છે, એ રીતે, અમે પણ તમારી પાસે મૌલિકતા, ક્રિએટિવિટી અથવા તો સમયનો અભાવ હોય તો અમે એક્સ્ટ્રા ચાર્જ લઈને તમને શૂટ થાય તેવા યોગ્ય પ્રકારના આક્ષેપો પણ તૈયાર કરી આપીએ છીએ. અમે આપના પર લગાવેલા બુદ્ધિસભર આક્ષેપો તૈયાર કરીને સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આપની સહી લઈશું અને તેમાં આપની એ બાબતે મંજૂરી લેવામાં આવશે કે અમે તૈયાર કરેલ આક્ષેપો અમે જાહેરમાં આપના પર મૂકીએ ત્યારે તમે એ આક્ષેપોને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો. દાખલા તરીકે : અમે તમારા ઉપર એવો આક્ષેપ મૂકીએ કે “નેતાશ્રી ફલાણાલાલ ઢીકણાલાલ ચોર છે” તો વળતા જવાબમાં તમોએ અમોને (એટલે કે અમે જાહેર કરેલા અમારા માણસોને) “મહાચોર” કહેવાના રહેશે. અમે તમારા ઉપર કરેલા એ આક્ષેપોનો તમારે શું રદિયો આપવાનો છે તે પણ તમે સમયના અભાવે વિચારી શકો તેમ ન હો તો અમે તમને એક્સ્ટ્રા ચાર્જ લઈને અમારા આક્ષેપો સામેનો રદિયો પણ તૈયાર કરી આપીશું. અમે તમારા ઉપર આક્ષેપો કરીએ ત્યારે તેના સણસણતા જવાબ તરીકે તમારે અમારી વિરુદ્ધમાં જે ભાષણો કરવાના રહેશે તેની આખેઆખી સ્ક્રિપ્ટ જ અમારી કંપની તૈયાર કરીને તેની પ્રીન્ટેડ કોપી તમને તમારી ઓફિસે પહોંચાડશે. જો તમે આક્ષેપો અને તેની વિરુદ્ધના રદિયાના એક સાથે ઓર્ડર નોંધાવશો તો અમે તે બંનેના ભાવમાં આપને ઘણો બધો ફાયદો કરી આપીશું. તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે આપની પાસેથી યોગ્ય પૈસા લઈને આપના ઉપર કેસ પણ કરી આપશું અને બાદમાં એ કેસ પાછો ખેંચવાના અલગ પૈસા આપની પાસેથી મજરે વસુલશું. તો આજે જ ઓર્ડર નોંધાવો. ખાસ ડિસ્કાઉન્ટનો લાભ મેળવો. લિ. મેનેજર શ્રી, ચાહક-આક્ષેપ-રદિયા વેચાણ કેન્દ્ર, ભાવનગર
thegreatworld.in