Headlines

આજનું બાળસાહિત્ય કેટલું ટકશે ?: રોહિત શાહ

  • અમદાવાદ

અત્યારે મારી ઉંમર લગભગ 70 વર્ષની છે. પચાસ-સાઠ વર્ષ અગાઉ મેં સાંભળેલી અને વાંચેલી અનેક વાર્તાઓ આજે પણ મને યાદ છે. એ વાર્તાઓમાં ઉપદેશ હતો, જ્ઞાન હતું, સાહસ અને પરાક્રમ ઉપરાંત છલોછલ તાજગી હતી. એ વાર્તાઓ આજે પણ મને તાજગીમાં તરબોળ કરે છે. પરિવારનાં આજનાં બાળકોને એવી વાર્તાઓ કહું છું ત્યારે એ રાજીરાજી થાય છે… ‘બીજી એક વાર્તા કહો’ એવો આગ્રહ પણ કરે છે. ભૂતકાળમાં મેં સાંભળેલી કે વાંચેલી બાળવાર્તાઓ કહેવાનું પ્રલોભન આપીને આજે પણ બાળકોને હું મારી પાસે આવવા મજબૂર કરી શકું છું. આવું બને છે ત્યારે વિચારું છું કે એ વાર્તાઓમાં કેવું શાશ્વત સત્ત્વ ભરેલું હતું !
વર્તમાનમાં ગુજરાતી બાળસાહિત્ય તો ઘણું લખાય છે, પણ એમાં પ્રયોગશીલતાનો અભાવ વર્તાય છે. વિષયવસ્તુ અને અભિવ્યક્તિમાં નવા પ્રયોગોની તાજગી જોવા મળતી નથી. બાળકુતૂહલને પરખનારા સર્જકોમાં રમણલાલ સોની, જીવરામ જોશી (તભા ભટ્ટ અને મિયાં ફુસકી પાત્રોના સર્જક), ગિજુભાઈ બધેકા, હરિપ્રસાદ વ્યાસ (બકોર પટેલ પાત્રના સર્જક), ધનંજય ર. શાહ (સોટી અને પોઠી પાત્રોના સર્જક), જયભિખ્ખુ, હરીશ નાયક, રતિલાલ સાં. નાયક, ડૉ. કુમારપાળ દેસાઈ વગેરે પછી એમની પંગતમાં મૂકી શકાય એવું એક પણ નામ મને જડતું નથી. ઢગલાબંધ બાળસાહિત્ય લખનારા ઢગલાબંધ બાળસાહિત્યકારો તો છે, પરંતુ એ ઢગલામાંથી અણિશુદ્ધ બાળસાહિત્ય જડતું નથી. બાળકોને વારંવાર વાંચવાની ગરજ પડે અથવા વ્યસન વળગે એવું બાળસાહિત્ય અત્યારે લખાતું જ નથી, એટલે વાચકો ઓછા થતા જાય એ સ્વાભાવિક છે. સાચું કહું તો બાળસાહિત્ય તર્ક, તાજગી અને તરવરાટના ત્રિવેણીસંગમ જેવું હોવું જોઈએ, યુવાનો અને વડીલોને પણ એ વાંચવું ગમે. બાળસાહિત્યની સામગ્રી રસપ્રદ હોય એટલું પર્યાપ્ત નથી, એની રજૂઆત પણ રસપ્રદ હોવી જોઈએ. બુદ્ધિશાળી બાળકોને બુદ્ધિ વગરનું સાહિત્ય, બીબાઢાળ શૈલીમાં પીરસીએ તો એને ક્યાંથી ગમે ?
બાળસાહિત્યના લેખનનો મેં એટલે કે રોહિત શાહે થોડોક પ્રયત્ન કર્યો છે (મારાં બે પુસ્તકોને પુરસ્કાર પણ મળ્યો છે), એટલે જ બાળસાહિત્યના લેખન બાબતે મારી અયોગ્યતા અને મારી નિષ્ફળતાને હું સારી રીતે જાણી શક્યો છું. નવું વાહન, નવું ઉપકરણ કે નવો મોબાઇલ ટેક્નોલોજીની દૃષ્ટિએ આગળ હોય છે. એ જ રીતે નવી જનરેશન પણ સમજણ અને વૈચારિક દૃષ્ટિએ આગળ હોય છે એ વાત આજના બાળસાહિત્યકારોએ યાદ રાખવી પડશે. અલબત્ત, નગેન્દ્રવિજયે વિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને ઘણું રસપ્રદ બાળસાહિત્ય આપ્યું છે અને કવિ કૃષ્ણ દવેએ આજના સંદર્ભનાં ખૂબ રસપ્રદ બાળગીતો આપ્યાં છે એની નોંધ લેવી જોઈએ.
પિસ્તાળીસ વર્ષ અગાઉ, હાયર સેકન્ડરી સ્કૂલમાં હું શિક્ષક હતો ત્યારે એક વખત મેં વિદ્યાર્થીઓને પેલા તરસ્યા કાગડાની વાર્તા કહી હતી. એ વખતે એક વિદ્યાર્થીએ મને પૂછ્યું હતું કે, ‘કાગડાએ પાણીના કૂંજામાં કાંકરા નાખવાની મહેનત કેમ કરી ? સ્ટ્રો વડે પાણી પી લીધું હોત તો !’ ત્યારે એ વિદ્યાર્થી માટે મને માન ઉપજ્યું હતું. જોકે મેં એને પૂછ્યું કે, ‘ભાઈ ! જંગલમાં એ સ્ટ્રો લેવા ક્યાં જાય ?’ એ વિદ્યાર્થીએ તરત જવાબ આપ્યો કે, ‘જંગલમાં ઝાડ તો હોય ને ! એનું એક મોટું પાંદડું લઈને, એને ભૂંગળીની જેમ વાળીને સ્ટ્રો બનાવી શકાય !’
કાગડો પાંદડાને વાળી શકે ખરો ? એવો સવાલ જરૂર થાય, પરંતુ મને એ બાળકની બુદ્ધિ અને યુક્તિ ગમી હતી. એ ઘટનાએ મને સમજાવ્યું કે બાળકો માટે આનંદ આપનારું તો ખરું જ, સાથેસાથે તર્કશુદ્ધ સાહિત્ય લખાવું જોઈએ.
પંચતંત્રની કથાઓ તો કેટલી પ્રાચીન છે ! તોપણ આજનાં બાળકોને એ ગમે છે. વિક્રમ વેતાલની કે બીરબલની વાર્તાઓ ક્યારેય વાસી થતી નથી. અત્યારે તો બાળસાહિત્યના નામે શું પિરસાય છે એ ગંભીર સવાલ છે. મારે ભારપૂર્વક કહેવું છે કે બાળસાહિત્યમાં સામગ્રી (કન્ટેન્ટ) મહત્ત્વનો છે જ, પરંતુ એના કરતાં શૈલીની તાજગી અને રસસભરતા વધારે મહત્ત્વનાં છે. આજે રચાતા બાળસાહિત્યમાં ક્યારેક કન્ટેન્ટ સારો હોય છે તો એની શૈલી નબળી હોય છે અને ક્યારેક શૈલી રસપ્રદ હોય છે તો એનો કન્ટેન્ટ નબળો હોય છે. કન્ટેન્ટ અને શૈલી બંને સબળ, રસપ્રદ હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. કુતૂહલ ન જગાડે કે બાળકને રસપૂર્વક જકડી ન રાખે એવું બાળસાહિત્ય માત્ર પસ્તી કહેવાય. શૈલીમાં ભલીવાર નહિ હોય તો સામગ્રી ગમે તેટલી સારી હશે તોપણ બાળક એના પ્રત્યે નહીં આકર્ષાય. જે વાર્તા એક વખત વાંચ્યા પછી બાળક ફરીથી વાંચવા લલચાય એ વાર્તાની શૈલી બાળસાહિત્ય માટે યોગ્ય ગણાય.
આજે ઘણી વખત કેટલાક કહેવાતા ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોનું પ્રકાશન અત્યંત ખર્ચાળ થતું હોય છે. (એમાં જોડણી અને વાક્યરચનાની બેસુમાર ભૂલો હોય છે. એમને એવા ગ્રંથોના પ્રકાશન માટે કાગળ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગ અને બોક્સ-પેકિંગ વગેરે પાછળ મબલક ખર્ચ કરવાનું પોસાય છે, પરંતુ ભાષાશુદ્ધિ માટે કોઈ સારા સંપાદક કે પ્રૂફરીડરનો ખર્ચ કરવાનું જરૂરી પણ નથી લાગતું !) ખરેખર તો બાળસાહિત્યનાં પુસ્તકો સૌથી વધુ ખર્ચાળ હોવાં જોઈએ. સારો કાગળ, મલ્ટીકલર પ્રિન્ટિંગ, અનુરૂપ કલાત્મક ચિત્રો, સુંદર લેઆઉટ અને મજબૂત છતાં આકર્ષક બાઈન્ડિંગ સહિત બાળસાહિત્યનાં પુસ્તકોનું પ્રકાશન થવું જોઈએ. પુસ્તકનું કદ પણ બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને રાખવું જોઈએ. બાળકના હાથમાં સરસ મજાનું રમકડું હોય એવી ફીલિંગ એ પુસ્તક દ્વારા બાળકને કરાવવી જોઈએ. એટલું જ નહીં, બાળકને બળપૂર્વક કે લલચાવીને પુસ્તક વંચાવવું ન પડે, પરંતુ બાળક સામે ચાલીને એ પુસ્તક મેળવવા અને વાંચવા માટે ઉત્સુકતા બતાવે એવું એનું પ્રોડક્શન પણ હોવું જોઈએ.
આજનાં બાળકો મોટેભાગે અંગ્રેજી મિડિયમમાં ભણે છે અને મોબાઇલને કારણે દુનિયાના સાહિત્ય સાથે જોડાયેલાં છે. શું સારું અને શું નબળું એની ખબર એમને પડે છે. એટલે શું વાંચવું અને શું ન વાંચવું એનો વિવેક એ કરી શકે છે. આજનાં બાળકો સાહિત્ય વાંચતાં નથી એવી ફરિયાદ કરવાનો હક આપણને ત્યારે જ મળે, જ્યારે બાળકને વાંચવા મજબૂર કરે એવું રસપ્રદ, જિજ્ઞાસાપ્રેરક અને જીવનઘડતર કરનારું ઉત્કૃષ્ટ બાળસાહિત્ય આપણે એમની સામે મૂકી શકીએ. જો એવું ન કરી શકીએ તો બાળકોને બાળસાહિત્યથી દૂર કરવા માટે આપણે જ જવાબદાર અને ગુનેગાર ગણાઈએ.
લે. રોહિત શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *