Headlines

ખંભાળિયા નજીક બુલેટની મોટરસાયકલ સાથે ટક્કર: યુવાનનું કરુણ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬

– કપડાની ખરીદી કરવા જતા યુવાનને કાળનો ભેટો –

      ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ પર બેસીને કપડાની ખરીદી કરવા જઈ રહેલા એક બે મિત્રોના મોટરસાયકલ સાથે એક બુલેટના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સલાયાના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઈજાઓ થવા પામી હતી.

        આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ગુલામ મહમદહુશેન સંઘાર નામના યુવાન બુધવારે રાત્રિના સમયે તેમના એક મિત્રના યામાહા મોટરસાયકલ નંબર જી.જે. 37 કે. 8451 પર બેસીને તેમના મિત્ર અયાન અબ્દુલભાઈ બેલાઈ (ઉ.વ. 19, રહે. સલાયા) સાથે ખંભાળિયા કપડાં લેવા માટે નીકળ્યા હતા. ત્યારે સલાયાથી આશરે ત્રણ કિલોમીટર દૂર સોડસલા ગામ નજીક પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ડબલ સવારી આવી રહેલા એક જી.જે. 37 ક્યુ 8466 નંબરના એક બુલેટ મોટરસાયકલના ચાલકે ગુલામ સંઘારના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

        આ અકસ્માતમાં બંને મિત્રો બાઇક સાથે રોડની એક તરફ ફંગોળાઈ ગયા હતા. આ જીવલેણ ટક્કરમાં ગુલામ મામદહુશેન સંઘારનું ઈજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના મિત્ર અયાન બેલાઈને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

      આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે ઈજાગ્રસ્ત અયાન અબ્દુલભાઈ બેલાઈની ફરિયાદ પરથી બુલેટ મોટરસાયકલના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. બોઘાભાઈ કેસરિયાએ હાથ ધરી છે. આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

_____________________________________________________________________________

દ્વારકાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો

       દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ડાડુભા ડેપાભા માણેક નામના 32 વર્ષના હિંદુ વાઘેર યુવાને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની હંસાબેન ડાડુભા માણેક (ઉ.વ. 30) એ દ્વારકા પોલીસને કરી છે.

_____________________________________________________________________________

ખંભાળિયા નજીક ટ્રેક્ટર પલટી જતા યુવાનનું મૃત્યુ

       ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના પાટીયા પાસે રહેતા ભોલુભા લખુભા જાડેજા નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 8 માર્ચના રોજ એક આસામીનું ટ્રેકટર લઈને નાના માંઢા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડની ગોલાઈ પર અકસ્માતે આ ટ્રેક્ટર પલટી ખાઈ જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ જટુભા લખુભા જાડેજા (ઉ.વ. 55)એ અહીંની પોલીસને કરી છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *