જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫
પથરીના દુખાવાથી કંટાળીને સણખલા ગામની નવપરિણીતાએ જિંદગી ટૂંકાવી
ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતી અને વીરાભાઈ દેવાભાઈ વારોતરીયાની 21 વર્ષની પરિણીત પુત્રી દક્ષાબેન કેશુભાઈ ખીમાભાઈ કરમુરને છેલ્લા એકાદ વર્ષથી પથરીની બીમારી હોય, અને તેમને વારંવાર પથરીનો દુખાવો થતો હોવાથી કંટાળી ગયા હતા. આ વચ્ચે ગત તા. 15 ઓક્ટોબરના રોજ ઉપડેલો આ અસહ્ય દુઃખાવો સહન ન થતા તેમણે કંટાળીને પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. આથી તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક પરિણીતાનો લગ્નગાળો સાત મહિનાનો હતો. આ બનાવની જાણ મૃતકના પિતા વીરાભાઈ દેવાભાઈ વારોતરીયા (રહે. ધતુરીયા) એ ભાણવડ પોલીસને કરતા આ સંદર્ભે અહીંના ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. પી.જે. ખાંટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
____________________________________________________________________________
ઘરકામ બાબતે સાસુએ ઠપકો આપતા આરંભડાની પરિણીતાએ આપઘાત કર્યો
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતી અને દાઉદભાઈ ઈલ્યાસભાઈ રૂકલાણીની 26 વર્ષની પરિણીત પુત્રી રીયાનાબેન ફિરોજભાઈ બેતારાને તેણીના સાસુએ ઘરકામ બાબતે ઠપકો આપતા આ બાબતે થયેલી બોલાચાલી બાદ તેણીને માઠું લાગી આવતા તેમણે પોતાના હાથે એસિડની બોટલ ગટગટાવી લીધી હતી. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દાઉદભાઈ રૂકલાણી (રહે. ગાંધીનગરી – ઓખાએ મીઠાપુર પોલીસને કરી છે.
____________________________________________________________________________
ખંભાળિયા નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર કંચનપુર ગામના પાટીયા પાસેથી ગત તારીખ 27 મી ના રોજ રસ્તો ક્રોસ કરી રહેલા ખેરાજભાઈ ઓડીચને આ માર્ગ પર રહેલા જી.જે. 10 ઈ.સી. 8989 નંબરની એક ઓડી મોટર કારના ચાલકે અડફેટે લેતા તેમને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના ભત્રીજા શામરાભાઈ વાલાભાઈ ઓડીચ (ઉ.વ. 38, રહે. ધરારનગર, ખંભાળિયા) ની ફરિયાદ પરથી ઓડી કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.
____________________________________________________________________________
કલ્યાણપુરના મેવાસા ગામે દાદા-પૌત્રી ઉપર હુમલો: મારી નાખવાની ધમકી સબબ ચાર સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા લખમણભાઈ જેઠાભાઈ મકવાણા નામના 65 વર્ષના વૃદ્ધ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા વિશાલ નારણ મકવાણા નામના શખ્સ ઉપરાંત તેની સાથે રહેલા અન્ય ત્રણ શખ્સો અમરા મુરુ મકવાણા, નારણ મુરુ મકવાણા અને રામ મુરુ મકવાણાએ લાકડી તથા કુહાડી વડે હુમલો કરી ઇજાઓ કર્યાની તથા ફરિયાદી લખમણભાઈની પૌત્રી શીતલબેન દેવાભાઈ મકવાણાને પણ ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
____________________________________________________________________________
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડામાં 16 ઝડપાયા
ખંભાળિયા તાલુકાના સોડસલા ગામેથી પોલીસે તીનપતિનો જુગાર રમતા નારણ ભીખા રાઠોડ, નારણ મૂરૂ પરમાર, દેવશી ભીખા રાઠોડ, ધના રામા રાઠોડ અને ગૌતમ ખેંગાર પરમાર નામના પાંચ શખ્સોને રૂ. 4,590 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયામાં તાલુકા પંચાયત પાસે રહેતા ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉંને પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો.
કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામેથી પોલીસે કાના ભીમા રાવલિયા અને દેવુ રામ બુચડને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
ઓખા મરીન પોલીસે બસ સ્ટેશન પાછળથી રજા લતીફ સોઢા અને રાજાભા જેઠાભા સુમણીયાને તેમજ રોકડિયા હનુમાન પાસેથી અશોક માયાભાઈ રોશિયા અને મનીષ વીરજી ચૌહાણને તથા સુદર્શન સેતુ પાસેથી અશોક સવજી બારાચ અને દેવ કિરણ ચૌહાણને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
દ્વારકા પોલીસે બરડીયા ગામની સીમમાંથી પ્રવીણ સના શિરુકા અને રમેશ દેવા રાઠોડને એકી-બેકીનો જુગાર રમતા મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
