Headlines

તીર્થસ્થળ હર્ષદ ખાતે બે દિવસીય નવરાત્રિ શક્તિપર્વની રંગેચંગે પૂર્ણાહુતિ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૯-૨૦૨૫

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ (ગાંધવી) ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત બે દિવસીય નવરાત્રી શક્તિ પર્વનો શનિવારે ભવ્ય પ્રારંભ થયો હતો. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ માતાજીની આરતી કરી, કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

     આ પ્રસંગે મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, કોયલા ડુંગરની પર બિરાજમાન હરસિદ્ધિ માતાના સાનિધ્યમાં પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ (ગાંધવી) ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત નવરાત્રી શક્તિ પર્વનું બે દિવસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ ઉજાગર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રયાસો કર્યા છે. રાજ્યના પ્રાચીન મેળાઓ, ઉત્સવોમાં રાજ્ય સરકારની સક્રિય ભાગીદારી નોંધાઈ તેના પરિણામે આપણા મેળાઓ તથા ઉત્સવો વૈશ્વિક ફલક પર અંકિત થયા છે જેનો શ્રેય વડાપ્રધાનને જાય છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે આપણો ગરબો વૈશ્વિક ઓળખ તો બન્યો સાથે સાથે યુનેસ્કોની સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન પામ્યો છે જે આપણા સૌ માટે ગર્વની વાત છે. ભગવાન દ્વારકાધીશની ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ તીર્થસ્થળો તથા શક્તિપીઠો ખાતે નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

        વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશે વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરી છે. સ્વચ્છતાના આગ્રહી અને ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજીના મૂલ્યોને આગળ ધપાવતા તેમણે આજથી 11 વર્ષ પૂર્વે સ્વચ્છતા હિ સેવા અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાવી હતી. આ અભિયાનના 11 વર્ષની ઉજવણી નિમિતે તા. 17 સપ્ટેમ્બરથી એક પખવાડિયા એટલે કે તા. 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાન ચાલી રહ્યું છે. સૌ સ્વદેશી વસ્તુઓ ખરીદી તથા ઉપયોગ કરી રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

       આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા નવરાત્રિના પાવન પર્વે રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ (ગાંધવી) ખાતે નવરાત્રી પર્વનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થાન હર્ષદ ખાતે હરસિદ્ધિ વનનું નિર્માણ થતા પ્રવાસનને ખૂબ જ વેગ મળ્યો છે. બહોળી સંખ્યામાં પ્રવાસીઓ હર્ષદ ખાતે પધારી રહ્યા છે. જેના પરિણામે સ્થાનિકોને રોજગારી તકો મળી રહી છે. નવરાત્રિના પાવન પર્વે આપણે સૌ સ્વચ્છતાનો સંકલ્પ લઈ સ્વચ્છતા જાળવીએ તથા પર્યાવરણનું જાળવણી કરીએ.

        હર્ષદ ખાતે નવરાત્રી શક્તિ પર્વમાં વિખ્યાત કલાકાર મયુર દવે દ્વારા ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેના તાલે ભાવિકો ભક્તિ ભાવે ગરબે ઝુમ્યાં હતાં. આજરોજ રવિવારે કલાકાર સરસ્વતીબેન હીરપરા દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 

     આ નવરાત્રી શક્તિ પર્વમાં મામલતદાર આર.એચ. સુવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, અને એન.એલ. બેડીયાવદરા, સહિત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *