– દિલ્હી પાસિંગની ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે ગુનો –
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે દ્વારકાના ડીવાયએસપીની ખાનગી કારને અકસ્માત નડતા આ સ્થળે દિલ્હી પાસિંગની એક ટેમ્પો ટ્રાવેલર બસના ચાલકની બેદરકારીથી સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓ સહિતના ત્રણ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા અને ડીવાયએસપીના વાહન નંબર જી.જે. 18 જી.બી. 6532 ના ચાલક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ વશરામભાઈ ગઢવીએ દ્વારકા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મંગળવારે રાત્રિના સમયે ડીવાયએસપી સાગર રાઠોડની માલિકીની ખાનગી બ્રેજા કાર નંબર જીજે 01 એક્સ.એક્સ. 4957 નંબરની આ કાર દ્વારકા નજીક કુરંગા ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા તેમની કાર અડે કૂતરું ઉતરતા આ કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેના કારણે કારમાં નુકસાની થવા પામી હતી. આ અંગેની જાણ દ્વારકા પોલીસને કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ સરકારી વાહન સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં જોતા કારના બોનેટના ભાગને નુકસાની થવા પામી હતી.
આ સ્થળે ડીવાયએસપી સાગર રાઠોડની કાર તેમજ અન્ય એક સ્વીફ્ટ મોટરકાર નંબર જી.જે. 18 બી.વી. 5847 સાથે પણ અકસ્માત સર્જાતા આ વાહનમાં પણ નુકસાની થયેલી હાલતમાં જોવા મળી હતી.
દ્વારકા ડીવાયએસપીની ખાનગી કારમાંથી સામાન ઉતારીને પોલીસ કર્મચારીઓ સાઈડમાં રાખતા હતા. તે દરમિયાન આ સ્થળે સરકારી બોલેરો વાહનમાં સ્થાનિક પી.એસ.આઈ. તેમજ અન્ય કર્મચારીઓ પણ દોડી ગયા આવ્યા હતા. દ્વારકાના પી.આઈ. દિપક ભટ્ટની સૂચનાથી અહીં પોલીસ કર્મચારીઓ સામાન એક તરફ કરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે રાત્રિના આશરે પોણા ત્રણેક વાગ્યાના સમયે (બુધવારે) આ માર્ગ પર પોરબંદર તરફથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા ડીડી 01 એસ 9295 નંબરના ટેમ્પો ટ્રાવેલર વાહનના ચાલકે અહીં ઉભેલી સરકારી બોલેરો કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એ.એસ.આઈ. દિપકભાઈ વશરામભાઈ ગઢવી તેમજ અન્ય પોલીસ કર્મચારી કુલદીપભાઈ ખુમાણ અને જીઆરડીના જવાન વિકીભાઈ તેમજ બાજુમાં ઊભેલા રમેશભાઈ બળદેવભાઈ તથા અન્ય એક યુવાન રોડની એક તરફ ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતના કારણે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આમ, આ સમગ્ર પ્રકરણમાં મંગળવારે મોડી રાત્રિના સમયે (બુધવારે) દ્વારકાના ડી.વાય.એસ.પી.ની કાર સાથે કુતરુ ઉતરતા આ કાર ડીવાઈડર સાથે અથડાય પડી હતી અને આ કારમાં નુકસાની થવા પામી હતી. આ અકસ્માત બાદ દ્વારકાનો પોલીસ સ્ટાફ સરકારી બોલેરો લઈને ઘટના સ્થાને દોડી ગયા હતા અને ડી.વાય.એસ.પી.નો સામાન ઉતારીને ઊભા હતા ત્યારે અહીં ટેમ્પો ટ્રાવેલરના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી, સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બોલેરો તેમજ સ્વીફ્ટ કારને અડફેટે લીધી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ વિગેરેને ઈજાઓ થયાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે એ.એસ.આઈ. દિપકભાઈ ગઢવીની ફરિયાદ પરથી ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એમ.વી. એક્ટ અને પબ્લિક પ્રોપર્ટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)