નથુરામ ગોડસે આતંકવાદી નહીં, અંતિમવાદી દેશભક્ત હોવાના છ પુરાવા !
© રોહિત શાહ
આર.એસ.એસ.ના અને નરેન્દ્ર મોદીના કેટલાક વિરોધીઓ ઘણા સમયથી નથુરામ ગોડસેને ‘હિન્દુ આતંકવાદી’ તરીકે ઓળખાવવાનો મિથ્યા અને વાહિયાત ઉદ્યમ કરી રહ્યા છે. હકીકતમાં એ આતંકવાદી નહીં, પણ અંતિમવાદી દેશભક્ત હતો.
જે લોકો ગોડસેને આતંકવાદી કહી રહ્યા છે એ લોકો ભીતરથી તો જાણે જ છે કે, નથુરામ ગોડસે આતંકવાદી નહોતો, સાચો દેશભક્ત હતો !
નથુરામ ગોડસેને આતંકવાદી બિલકુલ ન કહી શકાય એનાં વાજબી કારણો આ મુજબ છે :
૧. નથુરામ ગોડસે ગાંધીજીને તટસ્થ રીતે ઓળખતો હતો અને એમના પ્રત્યે વ્યક્તિગત આદર જ ધરાવતો હતો. છતાં એને જ્યારે એમ લાગ્યું કે ગાંધીજી ભારતના વિભાજન બાબતે તટસ્થ નથી અને એ કારણે દેશને તથા હિન્દુઓને ભારે અન્યાય થઈ રહ્યો છે ત્યારે એણે એક માત્ર ગાંધીજીની હત્યા કરી હતી. એની દૃષ્ટિએ કેટલીક ચોક્કસ બાબતોમાં ગાંધીજી નિર્દોષ નહોતા. આતંકવાદીઓ તો સમગ્ર દેશમાં ક્રૂર હિંસા આચરીને અનેક નિર્દોષ અને અજાણ્યા લોકોની હત્યા કરે છે, જેમને પોતે ઓળખતાય નથી હોતા કે એમની સાથે વ્યક્તિગત કશા મતભેદ પણ નથી હોતા.
૨. નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરતાં પહેલાં પૂરા આદર સાથે એમને પ્રણામ કર્યા હતા, કયો આતંકવાદી ગોળી ચલાવતાં પહેલાં સામેની વ્યક્તિને પ્રણામ કરે છે ?
૩. નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરીને ગુનેગારની જેમ ક્યાંય ભાગી ગયો કે કશે છુપાઈ ગયો નહોતો. પોતે કરેલા અપરાધ માટે ફાંસી જેવી સજા મળવાની ખાતરી હોવા છતાં એ ગાંધીજીની હત્યા કર્યા પછી ત્યાં જ ઊભો રહ્યો હતો. કયા આતંકવાદીએ હત્યા કર્યા પછી ત્યાં ને ત્યાં ઊભા રહીને પોતાને આટલી આસાનીથી ગિરફતાર કરાવ્યો છે ?
૪. નથુરામ ગોડસેએ માત્ર એક જ વ્યક્તિની ટાર્ગેટેડ હત્યા કરી હતી, એ આતંકવાદી હોત તો અનેક લોકોની હત્યા કરી હોત. આતંકવાદીઓ કોઈ એકાદ ચોક્કસ વ્યક્તિને જ નહીં, નિર્દોષ ભીડને ટાર્ગેટ કરીને વધુમાં વધુ લોકોની હત્યા કરતા હોય છે.
૫. નથુરામ ગોડસેનું દેશવિરોધી કોઈ સંગઠન નહોતું કે એને ગાંધીજીની હત્યા કરવા માટે કોઈ સંસ્થા અથવા સમૂહે પૈસા આપીને મોકલ્યો નહોતો, જ્યારે આતંકવાદીઓનાં પોતાનાં ખાસ સંગઠન હોય છે અથવા કોઈ સંગઠન દ્વારા એમને પૈસા આપીને હત્યા માટે મોકલવામાં આવે છે.
૬. નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કર્યા પછી પોતાના બચાવ માટે પોલીસ કે અન્ય કોઈ સુરક્ષાકર્મી તરફ રિવોલ્વર તાકી નહોતી, જ્યારે આતંકવાદીઓ નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કર્યા પછી પોતાના બચાવ માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓ પર પણ હુમલો કરતા હોય છે. આતંકવાદી અને નથુરામ ગોડસેમાં પાયાના આ છ ડિફરન્સ છે. નથુરામ ગોડસે એક અર્થમાં સાચો દેશભક્ત હતો. એને કોઈ દેશભક્ત ન સમજે તો એ અલગ વાત છે, પણ એને આતંકવાદી તો ન જ કહી શકાય. બહુબહુ તો એને હત્યારો જ કહી શકાય. આતંકવાદીનું તો એક પણ લક્ષણ ગોડસેમાં ન હતું. જે લોકો નથુરામ ગોડસેને ‘હિન્દુ આતંકવાદી’ કહી રહ્યા છે, એ હકીકતમાં પેલા કટ્ટર આતંકવાદીઓનો બચાવ કરવા માટે પોલિટિકલ કવર ફાયર કરી રહ્યા છે; ‘આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો !’ કહીને પોતાના મજહબના આતંકવાદને ઢાંકવાનો બદઈરાદો બતાવે છે. હકીકતમાં તો એવું કરનારા લોકોને પણ આતંકવાદી કહેવા જોઈએ !
નથુરામ ગોડસેની ફેવર કરવાનો અહીં મારો એટલે કે રોહિત શાકનો કોઈ ઇરાદો નથી. કોઈ વ્યક્તિ સામે વિરોધ કે વિચારભેદ હોય એટલે એની હત્યા કરવાનો હક કોઈને મળી જતો નથી. હા, નથુરામ ગોડસે અંતિમવાદી દેશભક્ત હોવાને કારણે એણે ગાંધીજીની હત્યા કરી હતી, એવું સ્પષ્ટ અવશ્ય કહેવું છે.
