Headlines

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સુદર્શન બ્રિજ પર ડ્રોન ચલાવતા શખ્સ સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

ખંભાળિયાની પરિણીતાને સાસરિયાઓનો સિતમ: ચાર સામે ગુનો

        ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે હાલ રહેતી અને મેરામણભાઈ ગાગીયાની 35 વર્ષની પરિણીત પુત્રી જ્યોત્સનાબેન જગમાલભાઈ ચેતરીયાને તેણીના લગ્નજીવન દરમિયાન ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા તેણીના પતિ જગમાલ પરબત ચેતરીયા, સસરા પરબત અરજણ ચેતરીયા, સાસુ રંભીબેન અને દેર મહેન્દ્ર દ્વારા વારંવાર શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, મારકૂટ કર્યાની તથા હેરાન પરેશાન કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

      જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એમ.વી. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

____________________________________________________________________________

ખંભાળિયા નજીક આઈસરની ઠોકરે ટ્રેક્ટર સવાર યુવાન ઈજાગ્રસ્ત

       ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા મહેન્દ્રસિંહ વેરાજી જાડેજા નામના 40 વર્ષના યુવાન તેમના ટ્રેક્ટર પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામના પાટિયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 8144 નંબરના આઈસર વાહનના ચાલકે ટ્રેક્ટર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ટ્રેક્ટર ચાલક મહેન્દ્રસિંહ જાડેજાને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

        આ અકસ્માત સર્જીને આઈસર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. જે અંગે ખંભાળિયા પોલીસે મહેન્દ્રસિંહ વેરાજી જાડેજાની ફરિયાદ પરથી આરોપી વાહન ચાલક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

____________________________________________________________________________

ભાણવડમાં દારૂની મહેફિલ માણતા ચાર ઝડપાયા: એક ફરાર

       ભાણવડ ટાઉન વિસ્તારમાં રામેશ્વર પ્લોટ નજીક રહેતા હુસેન જુમા ઘુઘા નામના શખ્સના રહેણાંક મકાનમાં થર્ટી ફર્સ્ટના રાત્રિના સમયે મહેફિલ માણવા એકઠા થયેલા અબ્દુલશાહ ઉર્ફે બાપુ હુસેનશાહ સરવદી, આનંદ જયેશ સોલંકી, હીરા મનુ સોરઠીયા અને અર્જુન હરેશ સોલંકી નામના ચાર શખ્સોને પોલીસે વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

        આ દરોડા દરમિયાન મકાન માલિક હુસેન જુમા ફરાર થઈ ગયો હતો. જે અંગે ભાણવડ પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી, તમામ પાંચ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

ખંભાળિયા, દ્વારકામાં ચાર જુગારીઓ ઝડપાયા

       ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાંથી પોલીસે રામા જેઠા ધોરીયા અને જીતેન્દ્ર ભીખુ ડાભી નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

        દ્વારકાના બસ સ્ટેન્ડ પાસેથી કાનજી દેવદાન માતકા અને સરોવર સીદા શેખ નામના બે શખ્સોને મોબાઈલ ફોન દ્વારા વોટ્સએપ આઇકોનમાં વરલી મટકાના આંકડા લખી, જુગાર રમતા રૂ. 15,250 ની રોકડ તથા રૂ. 10,000 ના મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

____________________________________________________________________________

સુદર્શન બ્રિજ પર ડ્રોન ચલાવતા શખ્સ સામે કાર્યવાહી

       વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતા પ્રિયાંક પંકજભાઈ પટેલ નામના 26 વર્ષના યુવાને ઓખા નજીકના સુદર્શન બ્રિજ પરના રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન યંત્ર વડે શૂટિંગ કરતા આ અંગે તેની સામે ઓખા મરીન પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *