હરેશ જોષી, વડોદરા
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત અગ્રેસર કવિ દુલા કાગ પ્રાથમિક શાળા (પી.એમ.શ્રી – ગુજરાત)નો આઠમો વાર્ષિકોત્સવ ‘સ્પંદન ૨૦૨૬’ તા. ૨૧-૦૨-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ, વડોદરા ખાતે ભવ્ય રીતે યોજાનાર છે.
કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ લોકસાહિત્યના અવિસ્મરણીય સર્જક દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગ વિશેષ ઉપસ્થિત રહેશે.
‘સ્પંદન’ વાર્ષિકોત્સવ દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાઓને ખીલવવાનો, નૂતન પેઢીના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાનો તથા વર્ષ દરમિયાન રાજ્ય, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ઉમદા હેતુ સાકાર કરવામાં આવશે. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને સર્જનાત્મક રજૂઆતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દર વર્ષે કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવે છે. અતિથિ વિશેષ તરીકે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલભાઈ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ડો. વિપુલભાઈ ભારતીયા ઉપસ્થિત રહેશે.
આ અંગે શાળાના આચાર્ય જીગરભાઈ ઠાકરે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘સ્પંદન ૨૦૨૬’ કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો ઉત્સવ બની રહેશે અને વાલીઓ-નાગરિકોને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
