– એસ.ઓ.જી. પોલીસે સલાયામાંથી આરોપીને દબોચ્યો –
જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહી અને ગાંઠિયાની રેંકડી ચલાવતા કમલેશભાઈ જયંતીભાઈ રાવત નામના 33 વર્ષના શખ્સ દ્વારા વર્ષ 2016-17 ના સમયગાળા દરમિયાન હપ્તેથી ઈક્કો કારની ખરીદી કરી હતી. પરંતુ આ વાહનના હપ્તા તેમણે ન ભરતા ગાંધીધામ – કચ્છ ખાતેની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને નામદાર અદાલત દ્વારા તેને રૂ. 2,72,000 નો દંડ તેમજ કેદની સજા ફરમાવી હતી.
આ કેદની સજા ભોગવવી ન પડે તે માટે છેલ્લા આશરે 19 માસથી આ શખ્સ નાસતો ફરતો હતો. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી સંદર્ભે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે નાસી જાય તે પૂર્વે સિફતપૂર્વક ઉપરોક્ત શખ્સને ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મેઈન બજારમાં રહેતા તેના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ રાવતના ઘરેથી ઝડપી લઇ અને વધુ કાર્યવાહી અર્થે તેનો કબજો સલાયા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. કે.એમ. જાડેજા, હરદેવસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ રાઠોડ અને કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)
