પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી જનાર સંજય દાવડા ઝડપાયો
સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા
પોરબંદર
પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો અને સભાસદોને ફસાવીને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા પણ વધારે ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઊંચા દરે વ્યાજ અપાવવાની લાલચો આપી થાપણદારો અને સભાસદોને રૂ 71 લાખના શીશામાં ઉતારીને બુચ મારી દેનાર પોરબંદરના સંજય અને તેની પત્ની સપના તથા તેના મળતીયા મનન વગેરે વગેરે વગેરે વગેરે સામે કમલાબાદ પોલીસમાં એફઆઇઆર થતાં આખરે પોરબંદર ડીવાયએસપી ઋતુ રાબાની ટીમે આરોપી સંજય દાવડાને ઝડપી લીધો છે.
પોલીસે જણાવ્યું કે કમલાબાગ પોલીસમા દાખલ થયેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨) તથા GPID એક્ટની ક.૩ તથા ધી બેનીંગ ઓફ અન રેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ એક્ટ ૨૦૧૯ની કલમ ૨૧, ૨૩ મુજબનો ગુન્હો તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ રજીસ્ટર્ડ થયેલ છે. આ કામે પોરબંદર વિસ્તારના ૬૫૦ જેટલા થાપણદારોએ અંદાજીત રૂપીયા દસ કરોડ જેટલી રકમ જલારામ ક્રે.કો.ઓ.સો.માં રોકાણ કરેલ હોય જે રકમ થાપણદારોને પરત નહિ ચુકવતા આરોપી (૧) સંજયભાઈ વિનોદરાય દાવડા (ર) સપના વિનોદરાય દાવડા (૩) મનન સંજયભાઇ દાવડા રહે.તમામ કડીયા પ્લોટ, પોરબંદરવાળાઓ વિરૂધ્ધ ઉપરોકત ગુન્હો રજીસ્ટર્ડ થતા તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર વિભાગને સોપવામાં આવેલ. આ કામે આરોપીઓને શોધી કાઢવા માટે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યાએ ટીમની રચના કરી આરોપીને શોધી કાઢવા માટે તમામ સોર્સથી પ્રયત્નો કરવા જણાવતા આ કામના આરોપી મુખ્ય સુત્રધાર સંજય વિનોદરાય દાવડા (ઉ.વ.૪૯ રહે.કડીયા પ્લોટ, આંબેડકર ભવનની પાછળ, રાંદલ ક્રુપા, પોરબંદર) હાલ પ્રયાગરાજ(યુ.પી.) ખાતે હોવાની ચોક્કસ અને આધારભુત માહિતી ટીમને મળતા જે માહિતી આધારે પ્રયાગરાજ ખાતે જતા ઉપરોકત આરોપી મળી આવતા આરોપીને પકડી સ્થાનીક કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રીમાન્ડ વોરંટ મેળવી પોરબંદર ખાતે લાવતા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા દ્વારા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર વિભાગની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ.જાડેજા તથા કોન્સ્ટેબલ વિજય ખીમાભાઈ તથા લખમણ પરબતભાઇ તથા રાજા લખમણભાઇ મોરી તથા લખુ નેભાભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા
ઉલ્લેખનીય છે કે આ મામલે જયેશભાઈ દેવશીભાઈ વરવાડીયા, (જાતે-નવીના ખારવા, ઉ.વ.૪૮, ધંધો- વેપાર રહે. પંચાયત ચોકી પાસે. એસ.બી.એસ.બેંક કોલોની છાંયા પોરબંદર)એ (૧) સંજયભાઈ વિનોદરાય દાવડા (૨) સપનાબેન સંજયભાઈ દાવડા (3) મનન સંજયભાઈ દાવડા (રહે. તમામ કડીયા પ્લોટ પોરબંદર) તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપીઓએ અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી પોરબંદર જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી.લી. નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફીકસ ડીપોઝીટ તથા દૈનીક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી, થાપણદારો તથા સભાસદો પાસેથી ડીપોઝીટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લઈ, રકમ મેળવ્યા અંગે સીકયુરીટી તરીકે રસીદ/ચેક આપી તથા દૈનિક બચતદારોને પાસબુક ઇસ્યુ કરી પાસબુકમાં રકમ ઉધારી, દૈનીક બચતદારો પાસેથી બચત તરીકેની રકમ મેળવી લઈ, આ રકમ જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના યુનિયન બેંક ઓફ ઈન્ડીયા પોરબંદરના બેંક ખાતામાં જમા કરાવી પાછળથી આરોપી સંજય અને સપના મંડળીના મેજેનર તથા ડાયરેકટરના હોદ્દાની રૂએ પોતાની સહીઓ કરી બેંક ખાતામાંથી તમામ રકમ ઉપાડી લઈ, થાપણદારો તથા સભાસદો તથા દૈનિક બચત ખાતા ધારકો પાસેથી મેળવેલ રકમ પરત નહી આપી, આરોપી મનને આરોપી સંજયે લીધેલ રકમ પરત અપાવી દેવાનો અવાર-નવાર વિશ્વાસ અપાવી, ફરીયાદી પાસેથી તેના પોતાના તથા પરીવારના સભ્યોના એમ કુલ રૂા.૭૦,૭૩,૩૦૦/-તથા જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.પોરબંદરના આશરે સાડા છસો જેટલા થાપણદારો પાસેથી તપાસમાં ખુલે તેટલી રકમનું રોકાણ કરાવી, રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કરી, મંડળીના મેનેજર તથા ડાયરેકટરના હોદ્દાની રૂએ ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી આરોપીઓએ રચેલ પુર્વ આયોજીત કાવતરા મુજબ ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી. તા.૧/૧/૨૦૧૫થી તા.૪/૧૦/૨૦૨૪ સુધીમાં પોરબંદર વાડી પ્લોટ શાક માર્કેટ શોપ નં.૧૦ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ની ઓફીસે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫),૩૧૮(૪),૬૧(૨ ) તથા ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એકટની કલમ ૩ તથા ધી બેનીંગ ઓફ અન રેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ એકટ-૨૦૧૯ ની કલમ-૨૧,૨૩ મુજબ ગુનો દાખલ થતા પોરબંદર શહેર ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબાએ તપાસ હાથ ધરી હતી.
ક્રીમન બ્યુટી પાર્લરમાં કૌભાંડની બ્યુટીફુલ ક્રીમ તૈયાર થતી હતી
સપના તેના પતિ સાથે મળીને ક્રિમન બ્યુટી પાર્લરમાં જ મોટાભાગે આ બધું વહીવટ કરતી હતી. ગઈકાલે પોલીસ એક ચોક્કસ બંદોબસ્ત સાથે અને અમુક જાતની તૈયારી સાથે સપનાના બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને ત્યાંથી આ ગોરખ ધંધાનું વિવિધ પ્રકારનું સાહિત્ય કબજે લીધું હતું. સંજય અને સપના ગામને ઉઠાં ભણાવી રહ્યા હતા પરંતુ સાથોસાથ હાલ વિદ્યાર્થી અવસ્થામાં રહેલા તેમના પુત્ર મનનને પણ સંજય અને સપના આવું ગોરખધંધાનું શિક્ષણ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. કારણ કે મનને જ અનેક રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું તેમ કહીને લાંબા સમય સુધી એફઆઇઆરના પંથે જતા અટકાવ્યા હતા.
રોકાણકારો સાથે થયેલી તોછડાઈના કારણે આખું કૌભાંડ બહાર આવ્યું હતું
પોરબંદરમાં સંજય સપના અને તેના પુત્ર મનનના કૌભાંડનો ભોગ બનેલા લોકો છેલ્લે છેલ્લે ત્રાસીને ગમે તેમ કરીને પોતાના પૈસા પાછા મેળવી લેવાના મૂડમાં હતા અને તેના માટે લોકો પાસે પૂરતી ધીરજ પણ હતી. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા હતા કે ક્રેડિટ સોસાયટી પાસે પૈસા ન હોય તો તેનું વ્યાજ આપવાની બદલે અમારા મુદ્દલમાંથી થોડા થોડા ઓછા કરીને પણ અમને અમારા પૈસા ગમે તેમ કરીને પાછા આપો. આવી બધી માંગણીઓ કરવા માટે કેટલાક રોકાણકારો અથવા તો થાપણદારો સંજય અને સપનાના ક્રીમન બ્યુટી પાર્લર તથા અન્ય સ્થાનો પર ગયા હતા અને તેમની સમક્ષ એક સાથે પોતાની માગણીઓ રજૂ કરી હતી પરંતુ આ રીતે રજૂઆત કરવા માટે પોતાની પાસે આવવા બદલ તેમને ખખડાવવામાં આવ્યા હતા અને કહેવાયું હતું કે તમારાથી અહીં અમારી પાસે હોય જ કેમ? લોકોને પ્રશ્ન થયો હતો કે તો પછી ક્યાં જવું? આખરે લોકો પોલીસ પાસે ગયા અને સંજય સપના એન્ડ મનન કંપનીનો જલારામ નું નામ વાપરીને ચાલતો કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.





