
તળાજા, તા.30
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે કામનાથ મહાદેવ મંદિર આશ્રમ ખાતે નવી, જૂની કામળોલ ગામના ખેડૂતોની મિટિંગ મળી હતી. જેમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી સહિત અન્ય પાકોમાં થયેલ 100 ટકા નુકશાની અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ નુકશાનીના સામાન્ય વળતરના બદલે કૃષિ લોન માફ કરે તેવી રજૂઆત તમામ ખેડૂતો એ કરી હતી.
મળતી વિગતો મુજબ દિવાળી બાદ પડેલા ભારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા સો ટકા નુકશાન અંગે સરપંચ સહિત ગામના અગ્રણી ખેડુતોની મિટિંગ મળી હતી.
આ મિટિંગમાં ખેડૂત અગ્રણી જગુભા અભેસિંહ , ઓમદેવસિહ ગોવુભા, સરપંચ અશોકસિંહ સહિત આગેવાન ખેડૂતોએ એક સૂરમાં જણાવ્યું હતું કે ખેતરમાં મગફળીના પડેલા પાથરા વરસાદના પાણીમાં તણાઈ જવા સહિત પાણીના કારણે મગફળી અને ચારોલુ તદ્દન નીશફળ ગયું છે. કપાસના ડોડવામાં રહેલું રૂ અને ડોડવા પણ નિષ્ફળ થઈ ગયા છે.તેમજ અન્ય પાકમાં ખેડૂતોને સો ટકા નુકશાન થયું છે.
સરકારે સર્વ કર્યા બાદ આ નુકશાન ખેડૂતોને સરકારી નજીવી સહાયથી ભરપાઈ થઈ શકે તેમ નથી માટે ખેડૂતો એ લીધેલી કૃષિ લોન માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અને આ અંગે સરકારમાં સજ્જડ રજૂઆત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

