Headlines

લાઠીયા ગુર્જર વણકર સમાજના ઉપક્રમે ગઢાળીમાં સત્ય હાંસી કેવળ મંદિરનો ૩૨મો પાટોત્સવ ઉજવાયો: તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

વિવિધ ગામના આગેવાનો જ્ઞાતિ સંગઠનમાં જોડાયા, નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો પણ યોજાયો સત્કાર સમારોહ

​ગઢાળી ખાતે લાઠીયા પરગણા ગુર્જર વણકર સમાજ (અઢાર ગામ) અને સત્ય હાંસી કેવળ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય હાંસી કેવળ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ૩૨મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ નાત પ્રમુખ શશીકાંત ડી. ભોજના અધ્યક્ષ સ્થાને અને બોટાદ ગોકુળિયા નાથની જગ્યાના ગાદીપતિ દિનેશ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ધાર્મિક વિધિઓ સાથે સમાજિક ઉત્થાનના કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

​આ મહોત્સવ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨ અને સ્નાતક કક્ષાએ ૬૦% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી પ્રાપ્ત કરનાર યુવાનોને બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તાજેતરમાં જ સરકારી સેવાઓમાં નવી નિમણૂક પામનાર વ્યક્તિઓનું પણ વિશેષ સન્માન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી આ સત્કાર કાર્યક્રમ મહત્વપૂર્ણ રહ્યો હતો.

​સંગઠન મજબૂત કરવાના ભાગરૂપે ગઢડાના નારણભાઈ લખમણભાઇ હેરંભા અને ડાયાભાઈ લાલજીભાઈ સિંધવ તેમજ માંડવધારના હીરાભાઈ દુદાભાઈ સોલંકી અને કેહરભાઈ દાનાભાઈ વાઘેલા અઢાર ગામની નાતમાં જોડાતા તેમને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગોવિંદ ભગત, વશરામભાઇ પરમાર, ગોવિંદભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ વણઝારા અને ભીખાભાઈ સોલંકી સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાવિકો અને સમાજના લોકોએ સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *