રોહિત શાહ
તમને સૌને ઈર્ષા ઉપજે એવી એક વાત કહું ? દુનિયામાં મને મળી છે એવી જોબ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) અને મને મળ્યા છે એવા શેઠ – બૉસ (મનુભાઈ શાહ) કદાચ કોઈને નહીં મળ્યા હોય !
મારી નોકરી બેસ્ટ છે એનો પુરાવો એ કે ત્યાં મારે કોઈ હાજરીપત્રકમાં સહી કરવાની હોતી નથી અને ગમે તેટલા દિવસ મારી ગેરહાજરી હોય તોપણ મારી સેલરી કપાતી નથી. એ તો ઠીક, રજા માટે અગાઉથી મંજૂરી લેવી અનિવાર્ય નથી. આટલાં વર્ષોમાં, ઑફિસનું ગમે તેટલું વધુ કે ગમે તેટલું અગત્યનું કામ હોય તોપણ મારી રજા મેં હંમેશાં પગારપૂર્વક ભોગવી છે ! એ તો ઠીક, ઑફિસે આવવા-જવાનો મારો સમય પણ મારી મરજી મુજબ મેં રાખ્યો છે. ઑફિસમાં ગયા પછી પણ કયું કામ ક્યારે કરવું એ નક્કી કરવાની સ્વતંત્રતા પણ મેં ભરપૂર ભોગવી છે.
આ સ્વતંત્રતા મને કેમ મળી છે, ખબર છે ? વ્યક્તિની કદર કરવામાં મનુભાઈએ ક્યારેક કરકસર કરી નથી. એમની એ નિષ્ઠાને કારણે મને આ સ્વતંત્રતા મળી છે… ! અને હવે તમને વધારે ઈર્ષા ઉપજે એવી એક ઘટના કહું.
એક વખત રાત્રે મનુભાઈનો ફોન આવ્યો. મને પૂછ્યું કે ‘આવતીકાલે તમે ઑફિસે આવવાના છો ?’ મેં હા પાડી. તેમણે કહ્યું, ‘તો સવારે 11 વાગે આપણે મળીશું. એક બાબતે અગત્યની ચર્ચા કરવાની છે.’ બીજા દિવસે હું ઑફિસે તો પહોંચી જ ગયો હતો, કિંતુ તબિયતની થોડીક પ્રતિકૂળતા અને થાકને કારણે, લાઇફમાં ફર્સ્ટ ટાઈમ, ઑફિસમાં હું ટેબલ પર માથું મૂકીને બેઠાં-બેઠાં અર્ધનિદ્રામાં ઊતરી ગયો હતો. જ્યારે મારી આંખ ખૂલી અને ઘડિયાળમાં જોયું તો 11:30 વાગી ગયા હતા ! મનુભાઈ હજી કેમ આવ્યા નહીં હોય ? – એમ વિચારીને મેં એમને ફોન કર્યો. ‘આપણે 11 વાગે મળવાનું નક્કી કર્યું હતું તો તમે કેમ આવ્યા નહીં ?’ એમણે કહ્યું, ‘હું તો બરાબર 11 વાગે આવી જ ગયો હતો, પણ મેં કાચની બારીમાંથી તમારી કેબિનમાં જોયું તો તમે કંઈક ઊંડા વિચારમાં મગ્ન હતા, એટલે તમને ડિસ્ટર્બ કર્યા વગર હું નીકળી ગયો !’
મેં કહ્યું, ‘અરે ! હું કોઈ ઊંડા વિચારમાં નહોતો. થાકને કારણે એસીની ઠંડકમાં મારી આંખ મળી ગઈ હતી… હું તો ઊંઘી ગયો હતો ! દરવાજો જરા નોક તો કરવો હતો !’
દુનિયામાં એવા કેટલા ઉદાર બૉસ હશે, જેમને એમનો એમ્પ્લોયર કહી શકે કે, હું તમારી એરકન્ડિશન્ડ ઑફિસમાં ઊંઘતો હતો ? અને જોબ કરનારા એવા કેટલા બડભાગી લોકો હશે કે જેમને આવી સ્વતંત્રતા મળી હોય !
મનુભાઈ મારા બૉસ ખરા, પણ એમને બૉસિઝમ બિલકુલ ન આવડે. પોતાની તકલીફ કરતાં એ બીજાની તકલીફ વિશે વધુ વિચારે. મનુભાઈના નેતૃત્વમાં કામ કરતા હોઈએ એટલે આર્થિક પ્રોબ્લેમ વિશે ક્યારેય વિચારવાનું જ ન હોય ! મારે એક વખત પગનું ઑપરેશન કરવાનું હતું. આગલા દિવસે ઑપરેશન માટે જરૂરી રકમ લઈને એ ઑફિસે આવ્યા અને મારે જરૂર ન હોવા છતાં એ રકમ મારી પાસે રાખવા આગ્રહ કર્યો હતો !
એક બહુ જાણીતા લેખકની વાત કહું. એ લેખકનો વાચકવર્ગ ઘણો વિશાળ અને એમનાં પુસ્તકો બજારમાં ખૂબ વેચાય. એમની નવલકથાઓ અને નવલિકાસંગ્રહો માત્ર ગૂર્જર દ્વારા જ પ્રગટ થતાં હતાં અને વ્યાવસાયિક રીતે પ્રકાશકને એમાંથી સારી કમાણી પણ થતી હતી. પરંતુ એ લેખકે એક વખત એના સ્વભાવ પ્રમાણે મારી સાથે તોછડો વ્યવહાર કર્યો. મેં મનુભાઈને વાત કરી. એમણે તટસ્થ રીતે જોયું કે એ ઘટનામાં લેખકની નરી અવળચંડાઈ હતી. એ લેખકનાં પુસ્તકો પ્રગટ કરવાનું ગૂર્જરે બંધ કર્યું !
હવે આવો, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પેઢીનો સંક્ષેપમાં પરિચય આપું, જ્યાં હું જોબ કરું છું. ગૂર્જરની મુખ્ય દુકાન તો અમદાવાદમાં ગાંધી રોડ પર છે. બીજી દુકાન સેટેલાઈટ વિસ્તારમાં છે. મારે કોઈ દુકાને બેસવાનું નથી હોતું. પંચવટી વિસ્તારમાં બુક પ્રોડક્શન માટે અલગ ઑફિસ છે ત્યાં હું બેસું છું.
ગુજરાતી ગ્રંથ-પ્રકાશકોના વર્તમાન વિશ્વનું સૌથી આદરપાત્ર નામ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય છે. એક સદીથી (૧૯૨૨થી) શ્રેષ્ઠ અને શિષ્ટ-વિશિષ્ટ પુસ્તકોનું પ્રકાશન કરતી આ પેઢીના વર્તમાન સૂત્રધાર મનુભાઈ ગોવિંદલાલ શાહ (જન્મતા. ૯-૧૨-૧૯૫૨) છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ઇતિહાસ સંઘર્ષ, સાહસિકતા અને સજ્જનતાથી સભર છે. ફતેહગઢ (કચ્છ)ના બે વણિકબંધુઓ શંભુભાઈ અને ગોવિંદભાઈ અમદાવાદ આવીને, છાપાની ફેરી કરતાં-કરતાં પુસ્તક-પ્રકાશનના કારોબાર સુધી અને ધીમેધીમે એ કારોબારના શિખર સુધી પહોંચ્યા. ગૂર્જર સાથે જોડાયેલા પ્રથમ સાહિત્યકાર ધૂમકેતુ. ત્યાર પછી ઝવેરચંદ મેઘાણી, ક. મા. મુનશી, ગુણવંતરાય આચાર્ય, જયભિખ્ખુ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસ દોશી, રતિલાલ દીપચંદ દેસાઈ, ધીરજલાલ ધનજીભાઈ શાહ, મનુભાઈ જોધાણી જેવા અનેક સર્જકો ગૂર્જર પરિવારમાં સામેલ થયા.
શંભુભાઈના અવસાન પછી ગોવિંદભાઈએ આ કારોબાર સંભાળ્યો અને ગોવિંદભાઈના અવસાન પછી એમના બીજા નંબરના પુત્ર ઠાકોરભાઈ અને ત્રીજા નંબરના પુત્ર મનુભાઈએ સુકાન સંભાળ્યું. સૌથી મોટા પુત્ર કાંતિભાઈને ભક્તિ અને અધ્યાત્મમાં રુચિ હોવાથી અને સૌથી નાના પુત્ર પ્રકાશભાઈ મેડિકલ ક્ષેત્રમાં હોવાથી ગૂર્જરની વિશેષ જવાબદારી આ બે ભાઈઓના શીરે આવી. ગૂર્જર દ્વારા પ્રકાશિત મારા પ્રથમ પુસ્તક ‘સંતાનનું સંસ્કારઘડતર’ની હસ્તપ્રત શ્રી ઠાકોરભાઈએ પસંદ કરી હતી. એ વખતે અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને હું નવો-નવો લેખક બન્યો હતો. પૈસા કમાવાની જરૂર પણ હતી અને કંઈક વધુ જાણવા મળે એવી અપેક્ષાએ મારે પ્રૂફરીડિંગનું કામ પણ કરવું હતું. ગૂર્જરે મને ત્યારે હું થાકી જાઉં એટલું કામ આપ્યું હતું. મારે ઠાકોરભાઈને વારંવાર મળવાનું થતું.
એક વખત મારે આકસ્મિક થોડા પૈસાની જરૂર પડી. મારે ગૂર્જર પાસેથી પ્રૂફરીડિંગના બિલનું પેમેન્ટ લેવાનું બાકી હતું. મેં ઠાકોરભાઈને કહ્યું કે મારે પૈસાની જરૂર છે. મારા હિસાબની મારે આટલી રકમ લેવાની છે તો મને વહેલી તકે કરી આપવા વિનંતી. એમણે મારી સામે જોયું. પછી કહ્યું, ‘હિસાબની વાત ન કરો. તમારે કેટલી રકમની જરૂર છે એ કહો.’ મેં સહેજ અને સહજ સંકોચ સાથે મારી જરૂરત જણાવી. એમણે એ જ ક્ષણે મારી જરૂર જેટલી પૂરેપૂરી રકમનો ચેક લખાવી આપ્યો અને કહ્યું, ‘હિસાબ તો જીવનભર ચાલ્યા કરશે. અત્યારે તમારું કામ પૂરું કરી લો !’
એ વખતે હું ગૂર્જરમાં જોબ નહોતો કરતો. લેખક અને પ્રૂફરીડર તરીકે છૂટક કામ કરતો હતો. છતાં એમના તરફથી મને ભરપૂર હૂંફ મળી હતી. દુર્ભાગ્યે થોડા વખતમાં જ, 1988માં ઠાકોરભાઈનું અવસાન થયું. ત્યારબાદ મનુભાઈએ લગભગ એકલે હાથે અને વધારે વેગીલી રીતે ગૂર્જરની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી. ચારેય ભાઈઓના પરિવારમાં પણ સુમેળ સચવાય એ રીતે એમણે વહીવટ કર્યો. આજે તો આ પરિવારની ત્રીજી પેઢી પૂર્ણરૂપે ગૂર્જર સાથે જોડાઈ ગઈ છે.
મનુભાઈ શાહના નેતૃત્વમાં ગૂર્જરની કેટલીક શાખાઓ પણ બની અને પાંગરી. જેમ કે : હર્ષ પ્રકાશન, અમર પ્રકાશન, વિરલ પ્રકાશન, ગૂર્જર પ્રકાશન, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, સંસ્કાર સાહિત્ય મંદિર, અક્ષરા પ્રકાશન (અનડા પ્રકાશનની સાથે) વગેરે.
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયને ફેડરેશન ઓફ ઈન્ડિયન પબ્લિશર્સ દિલ્હી દ્વારા વર્ષ 2008નો ડિસ્ટિંગ્વિશ પબ્લિશર્સ એવોર્ડ 31 જાન્યુઆરી, 2008ના દિવસે એનાયત થયો હતો. પ્રો. બી. એન. રાજશેખરન્ પિલ્લાઈ (વાઈસ ચાન્સલર ઈગ્નુ)ના હસ્તે અને આનંદભૂષણ તથા શ્રી દિનાનાથજી વગેરેની ઉપસ્થિતિમાં આ એવોર્ડ ગૂર્જર પરિવાર વતીથી શ્રી મનુભાઈ શાહે સ્વીકાર્યો હતો. મનુભાઈ શાહના નેતૃત્વમાં ગૂર્જર અને તેની સહયોગી પ્રકાશન સંસ્થાઓ દ્વારા દર વર્ષે સરેરાશ આઠથી દસ નવોદિત લેખકોના પ્રથમ પુસ્તકનું પ્રકાશન થાય છે. એ જ રીતે દર વર્ષે વિવિધ સાહિત્યિક એવોર્ડ્સ અને પુરસ્કારો પ્રાપ્ત કરનારા સર્જકોમાં પણ ગૂર્જર પરિવારના સર્જકોની સંખ્યા ઘણી મોટી હોય છે.
મેં અગાઉ જણાવ્યું તેમ, ગૂર્જર પરિવારના લેખક તરીકે મારો પ્રવેશ તો લગભગ 1980માં શ્રી ઠાકોરભાઈ શાહ દ્વારા થઈ જ ગયો હતો, પરંતુ શ્રી મનુભાઈ સાથે મારો વિશેષ પરિચય થોડો મોડેથી થયો. 2003માં એક વખત મનુભાઈનો ફોન આવ્યો, ‘રોહિતભાઈ, તમને ગૂર્જરની ઑફિસમાં બેસવાનું અને સંપાદકીય જવાબદારીઓ સંભાળવાનું ફાવશે ?’
મેં કહ્યું, ‘હું આખો દિવસ તો નહીં પણ, બપોર પછી પાર્ટટાઈમ આવી શકું.’
એ સંમત થયા. એમણે કહ્યું, ‘અત્યારે પંચવટી પાસે અમારી નવી ઑફિસ બની રહી છે. એમાં તમારી કેબિન માટે કેવી વ્યવસ્થા તમને ફાવશે એ અહીં આવીને, જોઈને જણાવશો તો એ પ્રમાણે ગોઠવી શકાશે.’
બસ, આ રીતે નવેમ્બર ૨૦૦૩થી હું ગૂર્જર સાથે ઘનિષ્ઠપણે જોડાયો. અખબાર અને સામયિકના સંપાદનનો તો અનુભવ મને હતો, પરંતુ પુસ્તકોના સંપાદન માટે હું બિલકુલ નવો હતો. પંચવટી પાસે તિલકરાજ બિલ્ડિંગમાં ગૂર્જર પ્રકાશન અને શારદા મુદ્રણાલયની ઑફિસ છે. શારદા મુદ્રાણાલયમાં કોમ્પ્યુટર દ્વારા કમ્પોઝ અને ગ્રાફિક ડિઝાઇનનો વિભાગ રોહિતભાઈ કોઠારી સંભાળતા હતા. એમની સાથેય ખૂબ સારી મૈત્રી બંધાઈ. મારું કામ એ કારણે પણ ખાસ્સું આસાન થઈ ગયું. અહીં માત્ર પુસ્તકના પ્રકાશનનું જ કામ નહોતું, એ ઉપરાંત પુસ્તકોના પ્રચાર માટેનું કામ, નવાં પુસ્તકોના વિમોચન-કાર્યક્રમોનું આયોજન, વિવિધ પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન, પુસ્તકમેળાઓની કામગીરી, થોડા-થોડા સમયે સૂચિપત્રો તૈયાર કરવાં, ગૂર્જરનું મુખપત્ર પ્રગટ કરવું, લેખકો સાથેના સંપર્કો વગેરે કામગીરીમાં સામેલ અને સક્રિય રહેવાનું હતું. મનુભાઈની એક ખૂબી એ છે કે માણસને તેઓ ભરપૂર ફ્રીડમ સાથે નવીનવી જવાબદારીઓ આપીને ખૂબ ધીરજપૂર્વક તેનું ઘડતર કરે છે. ગુસ્સો કરે તોપણ પોતાની ખાનદાની અને સંસ્કારિતાને શોભે એવો !
એક વખત એક નવોદિત લેખકનું પ્રથમ પુસ્તક પ્રગટ કર્યું હતું. એને કેટલી રોયલ્ટી ચૂકવવી, એ બાબતે અમારે ચર્ચા થઈ. મેં કહ્યું, આ લેખકને પ્રોત્સાહન રૂપે પેજ દીઠ આટલી રકમ આપીશું વાંધો નહિ આવે. મનુભાઈને એ રકમ નાની લાગી. એમણે કહ્યું, એટલી રોયલ્ટી વાજબી નથી. પછી મને હળવો ઠપકો પણ આપ્યો, તમે પોતે લેખક છો, તો તમારે લેખકનો પક્ષ લેવાનો હોય ને !
એક વખત એક બીજા પ્રકાશકના ખૂબ જાણીતા લેખકે આડકતરી રીતે ગૂર્જર સાથે જોડાવા તૈયારી બતાવી. મને આનંદ થયો, પણ મનુભાઈએ કહ્યું કે, એ (બીજા) પ્રકાશક પાસે આ એક જ લેખકનાં પુસ્તકોનો મોટો કારોબાર છે. જો આપણે એ લેખકને લઈ લઈએ તો એ પ્રકાશકને નુકસાન થાય. વ્યવસાયમાં બીજા કરતાં વધારે લાભ લેવાની કે આગળ નીકળવાની કોમ્પિટિશન જરૂર કરી શકાય, પણ કોઈને નુકસાન કરીને આગળ ન જવું જોઈએ આવી પ્રામાણિક નીતિમત્તાનું એ જતન કરે !
આજે તો ગૂર્જર પરિવારના લબ્ધપ્રતિષ્ઠ સર્જકોની સંખ્યા 100 કરતાં પણ વધુ છે. સ્વામી સચ્ચિદાનંદ, ફાધર વાલેસ, નિરંજન ભગત, ધ્રુવ ભટ્ટ, દિલીપ રાણપુરા, ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. કેશુભાઈ દેસાઈ, માધવ રામાનુજ, હરિકૃષ્ણ પાઠક, મોહમ્મદ માંકડ, કિરીટ દૂધાત, યોગેશ જોષી, રોહિત શાહ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, પી. કે. લહેરી, ઈલા આરબ મહેતા, ડૉ. ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી, જયંત કોઠારી, રમણલાલ સોની, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર મો. ભટ્ટ, હરિપ્રસાદ વ્યાસ, યશવંત મહેતા, ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’, ડૉ. હરેશ ધોળકિયા, રમેશ ર. દવે, શ્રદ્ધા ત્રિવેદી, રતિલાલ નાયક, વસંતલાલ પરમાર, મનસુખ સલ્લા, ડૉ. પ્રવીણ દરજી, પ્રવીણ ગઢવી, ઈશ્વર પરમાર, દલપત ચૌહાણ, શ્રીકાંત ત્રિવેદી, યોસેફ મેકવાન, હસુ યાજ્ઞિક, શિવદાન ગઢવી, ગિરિમા ઘારેખાન, જોરાવરસિંહ જાદવ, જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, ડૉ. નલિની ગણાત્રા, ગિરા પિનાકિન ભટ્ટ, ઊર્મિલાબહેન શાહ વગેરે સમર્થ સર્જકોથી ગૂર્જર પરિવારને મનુભાઈએ રળિયામણો અને સમૃદ્ધ બનાવ્યો છે. સાહિત્યિક ગ્રંથોના પ્રકાશન ઉપરાંત શૈક્ષણિક, યોગ અને આરોગ્ય, વાનગી, રમતગમત, ફિલ્મ, જ્યોતિષ, સંગીત અને ચિત્રકલા વિષયક પુસ્તકોનાં પ્રકાશનો પણ મનુભાઈના નેતૃત્વમાં મબલક પ્રમાણમાં થતાં રહ્યાં છે. એ ઉપરાંત ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓની તથા વિદેશની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો પણ ગુજરાતી વાચકો માટે એમણે ઉપલબ્ધ કર્યા છે.
જોકે હવે મનુભાઈ ધીમેધીમે નિવૃત્તિ તરફ વળી રહ્યા છે, છતાં અમને એમના માર્ગદર્શનની હંમેશાં અપેક્ષા અને પ્રતીક્ષા રહે છે. સંબંધોને ગોબો કે ઘસરકો પાડ્યા વગર કામની ગુણવત્તા જાળવવાની કલા એમની પાસેથી શીખવાની મને ગરજ છે. એ ભલે નિવૃત્તિ ભોગવવા ઇચ્છે પણ અમે એમની પાસેથી ટ્રેનિંગ લેવાનું બંધ થાય એવું નથી ઇચ્છતા, એનું શું ?