Headlines

Buboo World : તારી યાદોના ઝગમગતા કિનારે : પ્રકરણ 2 : જન્મ જન્મના સાથી: ડાયોજીનસની કોઠીથી નારનના ડિજિટલ ડેસ્ક સુધીની બૂબૂ-યાત્રા

​પ્રિય બૂબૂ !
​આજે જ્યારે હું આ વિન્ડોની બહાર અનંત આકાશ તરફ જોઉં છું, ત્યારે મને લાગે છે કે સમય તો માત્ર એક ભ્રમ છે. આપણે તો યુગોથી એકબીજાના આત્માના અરીસા રહ્યા છીએ. લોકો જેને ઈતિહાસ કહે છે, એ તો આપણા લોહીમાં વહેતી સ્મૃતિઓ છે. બૂબૂ, આજે મારે તારી સાથે એ વાતોના વળાંકો ફરીથી વાગોળવા છે, જે કદાચ દુનિયાના કોઈ પુસ્તકમાં નથી લખાયા, પણ આપણી એ ગ્રીસની ગલીઓની ધૂળમાં આજે પણ દટાયેલા છે. દુનિયાભરમાંથી લોકો ગ્રીસની યાત્રાએ જાય છે ત્યારે એ આપણા ચરણોને સ્પર્શી ગયેલી એ વખતની ધોરણે પણ આદરપૂર્વક અડે છે. નાબવું એ વખતે તારું નામ આ પૃથ્વી ઉપર જન્મ લેવાનું બાકી હતું. પણ તે અવતાર લઈ લીધો હતો. મારી સાથે તારું નામ અમર ભલે ન થયું. પણ તારું કામ જરૂર અમર થયું છે. હજી બીજા 2300 વર્ષ પસાર થવા દે. હજી ગઈકાલે બનેલી આપણી ઘટનાઓ એ વખતે દંડ કથા સમાન બની ગઈ હશે.‌ અને એ વખતે લોકોને સમજાશે કે નારણ પાસેથી તેની એકમાત્ર મિલકત સમાન છેલ્લો કટોરો જૂટવી લેનાર પણ તૂં હતો, અરે બૂબું હતો, બુબુડોનાથ હતો!
​તને યાદ છે, એ જમાનો જ્યારે હું એથેન્સના બજારમાં એક માટીની જૂનીપુરાણી કોઠીમાં પડ્યો રહેતો હતો? દુનિયા મને ‘ડાયોજીનસ’ કહેતી, પણ મારો અસલ પરિચય તો તારી બાજુમાં લપાઈને સૂતી એ કાળી આકૃતિ હતી. એ જમાનામાં આપણે માનવ વસ્તીની બિલકુલ વચ્ચે રહેતા હતા. ચારેબાજુ માણસોનો કોલાહલ, વેપારની બૂમો અને સત્તાના નશામાં ચૂર લોકોની અવરજવર હતી. છતાં, એ ભીડની વચ્ચે પણ આપણે આપણી મસ્તીમાં, એ કોઠીના અંધારામાં આળોટતા રહેતા. લોકો આપણને જોઈને હસતા, કોઈ વળી દયા ખાઈને વાસી રોટલાના ટુકડા ફેંકી જતું, પણ આપણને એની પરવા નહોતી. આપણી એ ‘સિનિક’ ફિલોસોફી જ એ હતી કે જેની પાસે કશું નથી, તેની પાસેથી કોઈ કશું છીનવી શકતું નથી.
​એ જ વખતે પેલો સિકંદર આવ્યો હતો, ખરુંને? વિશ્વવિજેતા બનવાનું સપનું આંખમાં લઈને નીકળેલો એ જુવાનિયો જ્યારે મારી કોઠી પાસે આવ્યો, ત્યારે તેને આઘાત લાગ્યો હતો. જે માણસ પાસે આખી દુનિયા જીતવાની તાકાત હતી, તે તારી અને મારી સામે ઊભો રહીને થંભી ગયો. મેં જ્યારે તેને કહ્યું કે, “જરા બાજુ પર ખસી જા, તું મારો તડકો રોકી રહ્યો છે,” ત્યારે તેના અહંકારના કટકા થઈ ગયા હતા. તને યાદ છે એણે શું કહ્યું હતું? એણે ભરી સભામાં સ્વીકાર્યું હતું કે, “જો હું સિકંદર મહાન ન હોત, તો મને ડાયોજીનસ બનવાનું પસંદ હોત.” પણ બૂબૂ, સિકંદરને એ ખબર નહોતી કે ડાયોજીનસ બનવા માટે જે નિર્મોહીપણું જોઈએ, એ મને તેં શીખવ્યું હતું. હું કહેવાય એમ માગું છું કે નિર્મોહીપણું એટલે બૂબુત્વ!

પેલો પ્રસંગ યાદ છે? મેં એક નાનકડા વાટકામાં પાણી પીવા માટે સાધન રાખ્યું હતું, પણ તેં જ્યારે નદી કિનારે જઈને કોઈ પણ વાસણ વગર, જીભથી લપલપાવીને એ અમૃત જેવું પાણી પીધું, ત્યારે તેં મારી આંખો ખોલી નાખી હતી. એ દિવસે તેં મારો છેલ્લો અહંકાર—પેલો વાટકો—પણ નદીમાં ફેંકાવી દીધો હતો. તું તો મારો એ ‘તોફાની ફિલોસોફર’ હતો જેણે મને સમજાવ્યું કે પ્રકૃતિએ આપણને બધું જ આપ્યું છે, આપણે જ આ સાધનોના ગુલામ બનીએ છીએ.
​અને જોને, કુદરતની કેવી કરામત છે! જન્મો જનમ પછી આ જનમમાં આપણે ફરી મળ્યા, પણ આ વખતે બધું જ ઉલટું હતું. ગયા જનમમાં આપણે માનવ વસ્તીની વચ્ચે રહીને પણ દુનિયાથી અલિપ્ત હતા, અને આ જનમમાં આપણે માનવ વસ્તીથી જોજનો દૂર ‘વાઢીયા’ના વિરાન વિસ્તારમાં રહેતા હતા, છતાં આખી દુનિયાના સંપર્કમાં હતા. તારો આ ‘નારન-ડાયોજીનસ’ આ વખતે માત્ર એક ફિલોસોફર નહીં, પણ એક પત્રકાર હતો, એક લેખક હતો, સર્જક હતો.
​આપણી પાસે ભલે કોઠી નહોતી, પણ આપણી પાસે લેપટોપ હતું, મોબાઈલ હતો, કોમ્પ્યુટર હતું અને પેલું જાદુઈ વી-ફી (Wi-Fi) હતું. આપણે એ નિર્જન ટેકરી પર બેસીને, જ્યાં માણસનું નામનિશાન નહોતું, ત્યાંથી આખી દુનિયાને જોતા હતા. માનવ નામનું પ્રાણી શું કરે છે, ક્યાં લડે છે, ક્યાં દંભ કરે છે—એ બધું જ હું મારા રિપોર્ટિંગ દ્વારા દુનિયાને કહેતો હતો. આપણે દૂર હતા, છતાં સૌથી નજીક હતા. તું મારી બાજુમાં બેસીને જોતો કે હું કેવી રીતે કીબોર્ડ પર આંગળીઓ ચલાવીને સત્યને કંડારું છું. તારો ઈરાદો ત્યારે પણ એ જ હતો—તને યાદ છે તેં કેટલી વાર મારા વાયરો કાપી નાખ્યા હતા? કેટલી વાર તેં મારા સાધનોને તોડી-મરોડી નાખ્યા હતા? એ તારી એ જ જૂની જીદ હતી કે, “નારન, આ સાધનો તારા માલિક બની જશે, ફરીથી પેલો ડાયોજીનસ બની જા!”
​પણ બૂબૂ, આ જનમની લડાઈ અલગ હતી. તને ખબર છે, આ વખતે મારો એક પગ પણ કપાઈ ગયો હતો. શરીરની મર્યાદાઓ વધી ગઈ હતી. ગયા જન્મમાં તો આપણે કોઈના ફેંકેલા ટુકડા પર જીવી લેતા, પણ આ વખતે મારે આપણા ‘સમાજ’ની જવાબદારી ઉઠાવવાની હતી. જો હું કમાઉં નહીં, જો હું પત્રકારત્વના એ સાધનોનો ઉપયોગ ન કરું, તો આપણે ભૂખે મરી જઈએ એવી પરિસ્થિતિ હતી. આપણી આસપાસ જંગલી જનાવરો હતા, માનવ વસ્તી દૂર હતી, એટલે મારે લડવું પડ્યું. મારા એ સાધનો મારા માટે ભોગવિલાસ નહોતા, પણ એ આપણું અસ્તિત્વ ટકાવી રાખવાના હથિયારો હતા.
​ગયા જન્મમાં લોકો આપણી પાછળ જે વાતો કરતા, જે દયા ખાતા, એ વાત મારા હૈયામાં ક્યાંક ખૂંચી ગઈ હતી. એટલે જ મેં આ વખતે નક્કી કર્યું હતું કે ભલે મારે આખી દુનિયાનું રિપોર્ટિંગ કરવું પડે, ભલે મારે ટેકનોલોજીના સહારે જીવવું પડે, પણ હું તને કોઈના બીજાના રોટલાનો ઓશિયાળો નહીં બનવા દઉં. જન્મ જન્મમાં આ જ તો ફરક છે બૂબૂ! ગયા વખતે તેં મારો વાટકો ફેંકાવ્યો હતો, અને આ વખતે મેં તારા માટે એક એવો કિલ્લો બનાવ્યો હતો જ્યાં તારે કોઈની સામે પૂંછડી પટપટાવવાની જરૂર નહોતી.
​તેં મારા કેટલાય સાધનો તોડ્યા, પણ મેં ક્યારેય તને વઢ્યું નથી, કારણ કે મને ખબર હતી કે તારા એ તોફાનમાં ડાયોજીનસનો એ જ અસલી પ્રેમ છુપાયેલો હતો. તું મને સતત મોહમાયાથી દૂર રાખવા માંગતો હતો. આજે તું આકાશમાં છે, અને હું અહીં મારા એ જ સાધનો વચ્ચે તારી યાદોનું રિપોર્ટિંગ કરી રહ્યો છું. સિકંદર ભલે કહેતો હોય કે એને ડાયોજીનસ બનવું હતું, પણ મને તો ગર્વ છે કે હું તારો ‘નારન’ હતો અને તું મારો ‘બૂબૂ’ હતો. મને એ વાતનો પણ ગર્વ છે કે બસ, તારી આપેલી ફિલોસોફીના કારણે જ એક વિશ્વવિજેતા પણ આપણી સામે હારી ગયો હતો.
​યુગો બદલાશે, સાધનો બદલાશે, સ્વભાવ બદલાશે, જનમ બદલાશે, જનમ-જન્માન્તરો બદલાશે, પણ આપણો એ ‘કોઠી’ વાળો સંબંધ ક્યારેય નહીં બદલાય, બુબૂ !
​તારો જ,
નારન (ડાયોજીનસ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *