Saturday June 21, 2025

FILMORIUM : NARAN BARAIYA : માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો જ નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ

ફિલ્મોરિયમ – નારન બારૈયા

માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ

રોમન લોકો જેને જ્યુપીટર કહેતા હતા એ જ ગ્રીક લોકોના ગોડ ઝિયુસ છે. આ ગોડ ઝીયુસ અને મનુષ્ય લોકમાં જન્મેલી અલ્કિમી વચ્ચે કશુંક ન થવાનુ થઇ ગયા બાદ તેના પરિણામ રુપે પૃથ્વી પ્રગટ થયેલો પ્રચંડ શક્તિશાળી અને પરાક્રમી પુરુષ એટલે હરક્યુલિસ. ગોડ ઝિયુસ અને અલ્કિમી વચ્ચે એડલ્ટ ફિલ્મોમાં બને છે એવું કંઇક બની ગયા બાદ ઝિયુસની પત્ની હેરાને આ વાતની ખબર પડતાં તે હેરાન હેરાન થઇ ગયેલી. અલ્કિમીનો વાંક નહોતો. ઝિયુસે અલ્કિમીના પતિ એમ્ફિટ્રાયોનનું રૂપ લઇને આ પરાક્રમ કર્યું હતુ. આથી પોતાના પતિની બેવફાઇનો બદલો લેવા માટે હેરાએ અલ્કિમીના પેટે જન્મવા જઇ રહેલ બાળકને પૃથ્વી પર અવતરવા ન દેવાનો એક મુદ્દાનો કાર્યક્રમ અમલમાં મૂકવા માટે બે ડાકણોને મોકલી હતી. પણ 9 સપ્ટેમ્બર 1910ના રોજ ધી હરક્યુલિસ સાયકલ એન્ડ મોટર કંપની લિમિટેડનો જન્મ ઇંગ્લેન્ડના એસ્ટનમાં થવાનો હતો અને હરક્યુલિસ સાયકલનું સદીઓ સુધી ધૂમ વેચાણ થવાનું હતું એટલે અલ્કિમીની એક નોકર આ ડાકણોને બીજા જ રુમમાં લઇ ગઇ અને આપણા હિરો હરક્યુલિસનો સફળતાપૂર્વક જન્મ થયો. 

હરક્યુલિસ પૃથ્વી ઉપર સક્સેસફુલી ડાઉનલોડ થયો એટલે ઝિયુસની પત્ની હેરાનો ઇગો સાતમાં આસમાન પર પહોંચ્યો હતો. એણે હરક્યુલિસને ડિલીટ કરી નાખવાનો પ્લાન ઘડ્યો. પ્લાન બી અનુસાર એણે બે સાપને હરક્યુલિસના ઘોડિયામાં મોકલ્યા. પણ આપણા બાલ વીર હનુમાન જે રીતે રમત રમતમાં સુર્યને ફિલ્મ સમજીને ગળી ગયા હતા તેમ હરક્યુલિસે ઘોડિયા રમતાં રમતાં બન્ને એરુનાં ડોકાં મરડી નાખ્યાં. આમ કૂદરતી રીતે, સાપ ભી મર ગયે ઔર હરક્યુલિસ ભી ના મરા… હરક્યુલિસ એટલા માટે જીવતો રહ્યો કે વીસમી સદીમાં તેના જીવન અને દંતકથાઓ પર આધારિત 100થી વધુ ફિલ્મો ઇંગ્લિશ ભાષામાં અને લગભગ એટલી જ ફિલ્મો ઇટાલિયન અને અન્ય ભાષામાં બનવાની હતી. કહી શકાય કે હરક્યુલિસ વિશે સરેરાશ દર વર્ષે બે ફિલ્મ બની.

હરક્યુલિસ કોઇ જ રીતે જેવીતેવી હસ્તિ નથી. એના વિશેની દંતકથાઓ પણ વિશ્વવ્યાપી નહીં, બ્રહ્માંડવ્યાપી છે. કહેવાય છે કે હેરાના ગુસ્સાથી મુક્ત કરવા માટે અલ્કિમીએ તેના નસીબદાર પુત્રને જંગલમાં ત્યજી દીધો. પણ જંગલમાં તે દેવી એથેનાને મળી આવ્યો. એથેનાએ આ બાળકને હેરાના હાથમાં પકડાવી દીધો અને કહ્યું કે આ બાળકને પોષણની જરુર છે. હેરાએ તેને પોતાનું ધાવણ આપવા માટે છાતીએ વળગાડ્યો તો તે તેની નીપલને કરડી ગયો. એટલે હેરાએ મધરાતના આકાશમાં હરક્યુલિસનો ઘા કરી દીધો. એ વખતે એના મોઢાનું જે દૂધ ઢોળાયું તે આજની તારીખે પણ આપણે મિલ્કી વે તરીકે જોઇ શકીએ છીએ. આ દૂધ ગંગાને ઘણા આકાશ ગંગા અને ગેલેક્સી તરીકે ઓળખે છે. 

આ બનાવથી હેરાન થયેલી હેરાએ હરક્યુલિસનો હવાલો ફરીથી એથેનાને સોંપી દીધો અને તેની કાળજી લેવાની જવાબદારી સોંપી. કહેવાય છે કે એથેનાએ તેને ધવડાવતી વખતે અજાણતાં જોરથી દબાવીને આલિંગન આપી દીધું હતું. 

હરક્યુલિસ ઝિયુસનો દિકરો હતો એટલે તે ડેમી-ગોડ હતો. ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં ઝિયુસ પછી સૌથી વધુ મહત્વ હરક્યુલિસને મળ્યું છે. તે ક્યારેય રાજા નથી બન્યો પરંતુ રાજાઓ અને જરુરીયાતમંદોને ખરાબ સમયમા મદદ કરનાર વીર પુરુષ અને મહાન યોદ્ધો રહ્યો છે. તે યુવાન થયા પછીના તેના બાર પરાક્રમો. તેના ફાર-રેન્જીંગ એડવેન્ચર સદીઓ સુધી વાર્તાકારો, કવિઓ, નિબંધકારો, સંશોધકો, ઇતિહાસકારો, ફિલ્મકારો માટે કમાણીનું સાધન બન્યા છે. વીસમી સદીમાં હરક્યુલિસ વિશે સરેરાશ દર વર્ષે બે ફિલ્મ બની. એકવીસમી સદીમાં પણ હરક્યુલિસનો જાદુ એટલો જ બરકરાર છે. 

       એકવીસમી સદીમાં 2014ની સાલમાં હરક્યુલિસને હિરો તરીકે ચમકાવતી ત્રણ ફિલ્મ રિલીઝ થઇ. ઇતિહાસના માયથોલોજીના કોઇ પાત્રને ચમકાવતી ત્રણ ત્રણ ફિલ્મ એક જ વર્ષમાં રિલીઝ થાય એ પણ એક રેકોર્ડ કહી શકાય. આટલું વિરાટ મહત્વ બહુ ઓછા પાત્રોને મળે છે, અને પણ એની હસ્તિની 24 સદીઓ વીતી ગયા પછી… 2014માં એક જ વર્ષના આવેલી ત્રણ ફિલ્મોમાં 15 જુલાઇના રોજ રિલીઝ થયેલી નિક લાયઓન દિગ્દર્શિત ‘હરક્યુલિસ રિબોર્ન’ (ટાઇટલ રોલ: જોન હેનિગન), 25 જુલાઇના રોજ રિલીઝ થયેલી બ્રેટ રેટનર દિગ્દર્શિત ‘હરક્યુલિસ’ (ટાઇટલ રોલ: ડ્વેન જોનસન) અને રેની હર્લિન દિગ્દર્શિત ‘ધ લિજેન્ડ ઓફ હરક્યુલિસ’ (ટાઇટલ રોલ: કેલન લટ્ઝ) હતી. ત્રણેયનું બોક્સ ઑફિસ પર્ફોમન્સ જોરદાર રહ્યું હતું. 

આ ઉપરાંત 2020માં પણ ‘ધ લિજેન્ડ ઓફ હરક્યુલિસ’ (ટાઇટલ રોલ: મેથ્યુ સિલીસ) નામથી વધુ એક ફિલ્મ આવી હતી જેનું દિગ્દર્શન માર્ટિન કેમ્પબેલે કર્યું હતું. આ ફિલ્મે પણ કોરોના લોકડાઉન જેવા સમયમાં દર્શકોનો સારો એવો પ્રેમ અને પૈસો પ્રાપ્ત કર્યો હતો. 

હરક્યુલિસ ગરીબોનો જ નહીં, અમીરોનો પણ મિહિર હતો. શુરવીરો અને રાજાઓ પણ મુસિબતમાં હોય ત્યારે હરક્યુલિસને યાદ કરતા હતા. (અને જરુર ન હોય ત્યારે ભૂલી પણ જતા હતા. એટલું જ નહીં, હરક્યુલિસને બદનામ કરવા કે ખતમ  કરવા માટે કાવતરાખોરી અને દગાબાજી પણ કરતા હતા.) પણ હરક્યુલિસ આજે પણ ખતમ થયો નથી. આજે પણ એકાદ સફળ ફિલ્મની તાતી જરુર હોય છે ત્યારે હોલિવૂડના નિર્માતા-દિગ્દર્શકો હરક્યુલિસને અને તેના જીવનની કોઇને કોઇ વાર્તાને યાદ કરે છે. હરક્યુલિસ ગરીબો કે રાજાઓ જ નહી, ફિલ્મકારોનો પણ બેલી છે. હરક્યુલિસ વિશે હજુ પણ ફિલ્મો બનતી જ રહેશે. હરક્યુલિસ અમર છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top