Headlines

એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૬

      અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રાંધણ ગેસની વ્યાપક અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટ ખાતે એલ.પી.જી. ગેસના વિશાળ જથ્થા સાથે ગઈકાલે એક જહાજ લાંગર્યા બાદ આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદર ખાતે પણ “નંદાદેવી” જહાજ મારફતે આશરે 47,000 મેટ્રિક ટન જેટલો એલ.પી.જી. ગેસનો જથ્થો આવી ચૂક્યો છે.

         આ અંગે દિન દયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારી સુશીલ કુમાર સિંઘએ આપેલી વિગત મુજબ થોડા દિવસો પૂર્વે ઈરાન નજીકના સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી પસાર થયેલી થયેલા “નંદાદેવી” જહાજ (વેસલ)ને એલ.પી.જી. ગેસનો 46,500 મેટ્રિક ટનનો જથ્થો લઈને વહેલી સવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદરે લાંગરવામાં આવ્યું છે. એલ.પી.જી.નો આ જથ્થો મોટા જહાજમાંથી નાના જહાજમાં (મધર વેસલમાંથી ડોટર વેસલમાં શીપ ટુ શીપ) ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં વાડીનાર પોર્ટની જવાબદારી શીપના સ્ટાન્ડર્ડ ઓપરેશનની રહેશે. અહીં આવેલા એલ.પી.જી.ના આ તોતિંગ જથ્થાના વ્યવસ્થિત વિતરણ અને જલ્દી ટ્રાન્સફર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ આ પ્રક્રિયા માટે જુદી જુદી સંકળાયેલી એજન્સીઓ તેમજ આંતરિક સંકલન (કોમ્યુનિકેશન) પરફેક્ટ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

       વધુમાં બી.ડબલ્યુ. બાર્જ નામની શીપમાં હલ્દીયા (વેસ્ટ બેંગાલ) અને એનોર (તામિલનાડુ) ખાતે આ એલપીજીનો જથ્થો મોકલવામાં આવનાર છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ આગામી દિવસોમાં પણ આ પ્રકારના જહાજ (વેસલ) આવશે જે પ્રાયોરિટી પ્રમાણે સેફટી પ્રોટોકોલ અપનાવીને અહીંથી જરૂરી ઓપરેશન પ્રક્રિયા કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

      વાડીનાર પોર્ટ ખાતે લાંગરવામાં આવેલા નંદાદેવી જહાજ વેસલ અને તેમાંથી બી.ડબલ્યુ. બર્જ શીપમાં એલપીજી ટ્રાન્સફર કરવા માટેની તમામ સુવિધાઓ પૂરી પાડવા અંગે અહીંના પોર્ટ વિભાગ તેમજ શીપના કર્મચારીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. એક જહાજમાંથી અન્ય જહાજમાં પ્રત્યેક કલાકે અંદાજિત 1,000 ટન જેટલો એલપીજી ટ્રાન્સફર થશે અને અંદાજિત બે દિવસ જેટલા સમયગાળા દરમિયાન આ સંપૂર્ણ પ્રક્રિયા સંપૂર્ણ થશે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

       આગામી દિવસોમાં અહીં એલપીજી સાથે અને વધુ વેસલ (જહાજ) આવશે તો તેના ઓપરેશન અંગે પણ સ્થાનિક ઓથોરિટી દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે એલપીજીનો આ તોતિંગ જથ્થો ભારતમાં ઉતરતા હવે ગેસની વ્યાપક અછતમાંથી અહીંના લોકોને મહદ અંશે રાહત બની રહેશે તેવું ચિત્ર ખડું થયું છે. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *