Headlines

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિજનોના સમૂહ ભોજનનું આયોજન ભવ્ય રીતે સંપન્ન: રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતિ

– હજારો રઘુવંશીઓએ સમૂહ પ્રસાદ લીધો –

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫

      જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનોના સમુહ પ્રસાદ (નાત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો રઘુવંશી ભાઈઓ-બહેનોએ સાથે નાત જમણ કર્યું હતું.

        જલારામ જયંતીના પાવન પર્વ નિમિત્તે અત્રે છેલ્લા આશરે ચાર દાયકા જેટલા સમયથી જ્ઞાતિના ભાઈઓ-બહેનોના સમૂહ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ ગઈકાલે બુધવારે જલારામ જયંતિ નિમિત્તે બપોરે સારસ્વત માસ્તાન બાદ સાંજે રઘુવંશી જ્ઞાતિના બહેનો માટે તેમજ રાત્રે જ્ઞાતિના ભાઈઓ માટે સમૂહ પ્રસાદ (નાત) નું સુંદર અને સુવ્યવસ્થિત સ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

      આ પ્રસંગે ખંભાળિયા સાથે લાગણીનો નાતો ધરાવતા અહીંના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) શ્રી પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદનો લાભ લઈ અને આ સુંદર વ્યવસ્થાને બિરદાવી હતી. 

       ખંભાળિયા લોહાણા મહાજનના વડપણ હેઠળ યોજાયેલા આ નાત પ્રસાદનો લાભ હજારો રઘુવંશી ભાઈઓ, બહેનોએ લીધો હતો. આ સમગ્ર આયોજન માટે મહાજન ટ્રસ્ટ સાથે રઘુવંશી જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકરો અને જ્ઞાતિજનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *