Headlines

ખંભાળિયા નજીક મોટરસાયકલ અકસ્માતમાં યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫

          ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતો તનવીર મકબુલભાઈ ખીરા નામનો 18 વર્ષનો યુવાન તેના મિત્ર અશફાક સાથે યામાહા મોટરસાયકલ પર બેસીને મંગળવાર તા. 3 ના રોજ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે ઉર્ષના મેળામાં ગયો હતો. જ્યાંથી સાંજના સમયે પરત ફરતી વેળાએ બાઈક ચાલકે તેનું મોટરસાયકલ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા આ મોટરસાયકલ સ્લિપ થઈ જવા પામ્યું હતું. જેથી તનવીર અને અશફાકને ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તનવીરની હાલત નાજુક જણાતા તેને એમ્બ્યુલન્સ મારફતે જામનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. જ્યાં બુધવાર તા. 4 ના રોજ સારવાર દરમિયાન તનવીરનું મૃત્યુ નિપજ્યું હતું.

       આ બનાવ અંગે મૃતકના પિતા મકબુલભાઈ ઉમરભાઈ ખીરા (ઉ.વ. 44, રહે. સુમરા તરઘડી)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે. 

      આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *