કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા તાજેતરમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાને રૂબરૂ મળીને તેઓના વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી.
રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જયપ્રકાશ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલ 2005 પહેલા નિમાયેલા 60 હજાર જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું, તેમાં જુદા જુદા જિલ્લાઓના 300 જેટલા કર્મચારીઓ યોજનાથી વંચિત રહી જતા હોય, તેઓને પણ આ યોજનામાં લેવા માટે નામદાર કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું હોવાથી તેમને લાભ આપવા, રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં જે કર્મચારી, શિક્ષક કે આચાર્ય સ્વનિર્ભર શાળાના અનુભવમાંથી આવ્યા હોય તેવા પણ 60 કેસ પેન્ડીંગ રહેલા છે, તેમનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે.
રાજ્યના અંતરિયાળ તથા પછાત વિસ્તારમાં 90 કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં સમાવેશ કરીને ચાલુ વર્ષે જ કોમ્પ્યુટર લેબ તથા ક્લાસમાં સ્માર્ટ ક્લાસ અને પેનલ બોર્ડ આપવા, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એન.પી.એસ. વાળા કર્મચારીઓને તેમના સર્વિસકાળમાં 300 ની મર્યાદામાં રજાનું રોકડમાં રૂપાંતરની જોગવાઈ છતાં પણ ખોટા અર્થઘટનો કરીને કર્મચારીઓને હક્કથી વંચિત આવતા હોય, તે અંગે તાકીદે ઘટતું કરવા, રાજ્ય સરકાર દ્વારા 2022 ના ડિસેમ્બરમાં શિક્ષક-આચાર્ય સળંગ નોકરી ગણીને ઉત્તર પગાર ધોરણનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેનો પણ અમલ થયો નથી. જેથી આચાર્યની ભરતીમાં નીરસતા આવી ગઈ છે. અનેક જગ્યાઓ પર આચાર્યોની ભરતી થઈ નથી અને શિક્ષક આચાર્યના પગાર માં વિસંગતતા પણ થાય છે. જે અંગે વહેલી તકે ઠરાવ કરી, વિસંગતતા દૂર કરવી જોઈએ તેવી માંગ કરાય છે.
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ઇન્ટરનેટ માટે વાર્ષિક રૂપિયા 6,000 જ ફાળવાય છે. જે રકમ પૂરતી છે. પ્રાથમિક પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ રૂપિયા 10,000 ની મર્યાદામાં ઇન્ટરનેટ ગ્રાન્ટ ફાળવવી જોઈએ જેને વિદ્યાર્થીના હિતમાં ગણાય છે.
રાજ્યની અનેક શાળાઓમાં પટાવાળા તથા ક્લાર્ક એક પણ નથી. કેટલીય શાળાઓમાં તો વર્ષોથી ક્લાર્ક અને પટાવાળાઓ મુકાયા નથી. જેથી છાત્રો અને શિક્ષકો જ આ પ્રકારના કામો કરે છે !! ત્યારે આઉટ સોર્સિંગની મદદથી પટાવાળાઓની ભરતીની સત્તા જિલ્લા કલેકટરના બદલે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવાની માંગ કરાઈ છે. જેથી શાળાઓને સરળતાથી પટાવાળા મળી રહે. આ મહત્વના મુદ્દે તાકીદે યોગ્ય કરવાની માંગ આચાર્ય સંઘ દ્વારા કરવામાં આવી છે.