14 વર્ષના સાથીને અંતિમ વિદાય આપવા માટે કોર્ટે આપી ખાસ પરવાનગી, પોલીસ દેખરેખ હેઠળ રહેશે આરોપી
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે માનવ અને પ્રાણીઓ વચ્ચેના અતૂટ અને લાગણીસભર સંબંધોનું સન્માન કરતી એક અત્યંત સંવેદનશીલ ઘટનામાં માનવીય અભિગમ અપનાવ્યો છે. હાઈકોર્ટે એક આરોપીને તેના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા માટે કામચલાઉ જામીન મંજૂર કર્યા છે, જે કાયદાકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે.
શું છે સમગ્ર મામલો?
મનીષ શાહ નામના એક આરોપીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, તેણે છેલ્લા ૧૪ વર્ષથી એક કૂતરાને પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેર્યો હતો. કમનસીબે, આ પાલતુ શ્વાનનું અવસાન થયું છે અને આરોપીની અંતરતમ ઈચ્છા હતી કે તે પોતાના હાથે જ તેના વહાલા શ્વાનની અંતિમવિધિ કરે.
આરોપીએ કોર્ટને સમજાવ્યું હતું કે આ પ્રાણી સાથે તેનો લાગણીશીલ સંબંધ રહ્યો છે અને તે તેને માત્ર એક પાલતુ પ્રાણી નહીં પણ પરિવારના સભ્ય સમાન ગણે છે. તેની આ લાગણીશીલ રજૂઆતને ધ્યાનમાં રાખીને જસ્ટિસ ઉત્કર્ષ દેસાઈએ આરોપીને મર્યાદિત સમય માટે રાહત આપવાનો નિર્ણય કર્યો હતો.
કોર્ટની શરતો અને પોલીસ સુરક્ષા
ન્યાયમૂર્તિએ આરોપીને તાત્કાલિક અસરથી પોલીસ કસ્ટડીમાં સુરત સ્થિત તેના નિવાસસ્થાને લઈ જવાનો આદેશ આપ્યો હતો, જેથી તે વિધિ પૂર્ણ કરી શકે. જો કે, આ પરવાનગી સાથે કોર્ટે કેટલીક કડક શરતો પણ મૂકી છે:
- પોલીસ દેખરેખ: આરોપી સમગ્ર સમય દરમિયાન પોલીસ કસ્ટડીમાં જ રહેશે.
- સાદા વેશમાં પોલીસ: આરોપી સાથે જનાર પોલીસ કર્મચારીઓએ ફરજ દરમિયાન સિવિલ ડ્રેસ એટલે કે સાદા કપડાં પહેરવા પડશે.
