ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર (અલંગ) ખાતે ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

મૂકેશ પંડિત, તળાજા

તળાજા તાલુકાની શૈક્ષણિક સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણાર (અલંગ) ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ “વિકસિત ભારત” ના ઉમદા સંકલ્પ સાથે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં વહેલી સવારે રાષ્ટ્રભક્તિના સૂત્રોચ્ચાર સાથે ભવ્ય પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ત્યારબાદ, સંસ્થાના પ્રાંગણમાં અલંગ ગામના અગ્રણી રવિરાજસિંહ ગોહીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના N.C.C. અને N.S.S. યુનિટના સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ પરેડ યોજી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
પ્રેરક ઉદબોધન કંચનબેન થડોદાએ કરેલ
ધ્વજવંદન બાદ વિધાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ અવસરે વક્તાઓએ પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આચાર્ય ડાહ્યાભાઈ ડાંગરે વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતા પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેમણે ‘વિકસિત ભારત’ ના નિર્માણમાં આપણું શું કર્તવ્ય હોઈ શકે તે વિષય પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.
શિક્ષક મિત્તલબેન સોલંકીએ યુવા પેઢીને ટકોર કરતા જણાવ્યું હતું કે, “આજના યુવાનોએ પોતાના હકોની માંગણી કરતા પહેલા પોતાની નૈતિક ફરજોને પણ યાદ રાખવી જોઈએ.” જો આપણે આપણી ફરજો યોગ્ય રીતે નિભાવીશું, તો હકો આપોઆપ સુરક્ષિત થશે.
આ કાર્યક્રમમાં ગ્રામપંચાયત અલંગના સભ્યો ગ્રામજનો શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રપ્રેમ અને શિસ્તના વાતાવરણમાં સંપન્ન થયું હતું.અંતમાં આભાર વિધિ મનસુખભાઈ ગુજરિયાએ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *