Headlines

જે.પી. દત્તા કૃત “બોર્ડર 2″ના ડિસ્ટ્રીબ્યુટરની દિવ્ય દાદાગીરી: સિંગલ સ્ક્રીન થિયેટરો બે સપ્તાહ માટે પેક અને 7 સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સ રોજના 20 શો કરશે

ફિલ્મોરિયમ – નારન બારૈયા
બોલીવુડે ફિલ્મોના ગ્રાન્ડ ઓપનિંગ તો બહુ જોયા પરંતુ જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ છે. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય છે. બહુ મોટા મોટા બેનર ની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગ સા ચાલુ થઈ ગયું છે તેને સારો પ્રતિસાદ મળ્યો છે અને ડિસ્ટ્રીબ્યુટરે તમામ સિંગલ સ્ક્રીન થિયેટરોને સાફ જણાવી દીધું છે કે બે સપ્તાહ સુધી માત્રને માત્ર “બોર્ડર 2” જ ચાલશે. ત્રણ સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સને રોજના 12 શો કરવાના રહેશે. ચારથી છ સ્ક્રીન ધરાવતાં મલ્ટીપ્લેક્સ થિયેટરોને કહી દેવામાં આવ્યું છે કે તેમણે રોજના ઓછામાં ઓછા 14થી 18 શો કરવાના રહેશે. અને સાત કે તેથી વધુ સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સને રોજના 20 શો કરવા પડશે. ફિલ્મની લંબાઈ 3 કલાક 19 મિનિટની છે. એટલે ઇન્ટરવલ અને શો પૂર્વેનો અને પછીનો પરચુરણ સમય ગણવામાં આવે તો દરેક શો ચાર કલાકનો સમય લેશે એમ ગણી શકાય. ડિસ્ટ્રીબ્યુટરનો આવો અભૂતપૂર્વ દબદબો ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે “બોર્ડર 2” એ 1997માં આવેલી જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર”ની સિક્વલ છે. બોર્ડર એ 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લડાયેલ બેટલ ઓફ લોંગેવાલા (1971) પર આધારિત હતી. ફિલ્મ મલ્ટી સ્ટારર હતી અને તેમાં સની દેઓલ, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી, સુદેશ બેરી, કુલભૂષણ ખરબંદા, પુનિત ઇસ્સાર, તબુ, પુજા ભટ્ટ, રાખી ગુલઝાર સહિતના અનેક મોટા સ્ટારકાસ્ટની મહત્વની ભૂમિકાઓ હતી. જ્યારે “બોર્ડર 2″માં સની દેઓલ, વરૂણ ધવન, દિલજિત દોસાંજ અને આહાન શેટ્ટી સહિતનું સ્ટારકાસ્ટ છે પણ તેમાં હોટ સ્ટાર તો માત્ર સની દેઓલ જ કહી શકાય. 1997ની “બોર્ડર” ફિલ્મમાં ગજબની લોકપ્રિયતા મેળવનાર ગીતોનું સંગીત અનુ મલીકે એકલા હાથે આપ્યું હતું. એમણે એ વખતે ક્રિએટ કરેલા “સંદેશે આતે હૈ”, “એ જાતે હુએ લમ્હોં” અને “હિન્દુસ્તાન મેરી જાન” સહિતના ત્રણ ગીતો “બોર્ડર 2″માં રિક્રીએટ થયા છે એટલે કે ધૂન એની એ જ છે પરંતુ એ જ ધૂનમાં નવા શબ્દો ઢાળવામાં આવ્યા છે. તેમ છતાં ફિલ્મમાં કુલ 51 મિનિટ જેટલો સમય લેનાર નવ ગીતો માટે અનુ મલિક ઉપરાંત મિથુન, સચેત-પરંપરા, વિશાલ મિશ્રા અને ગુરમો સહિતના સ્ટાર સંગીતકારોને કામે લગાડવામાં આવ્યા છે મતલબ કે સંગીતની દ્રષ્ટિએ આ ફિલ્મ મલ્ટી સ્ટારર છે એમ કહેવું પડે. 1997 માં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકેની બેવડી જવાબદારી જે પી દત્તાએ એકલા હાથે નિભાવી હતી. જ્યારે આ વખતે દિગ્દર્શનની જવાબદારી અનુરાગ સિંગ ને સોંપવામાં આવી છે અને પ્રોડ્યુસર તરીકે જેપી ફિલ્મસ અને ટી સિરીઝના બેનર હેઠળ આ જવાબદારી જે.પી. દત્તા ઉપરાંત નીધિ દત્તા, ક્રિષન કુમાર અને ભૂષણ કુમારે નિભાવી છે. એટલે પ્રોડક્શનની દ્રષ્ટિએ પણ “બોર્ડર 2″ને મલ્ટી સ્ટારર કહેવી પડે. 30 વર્ષ પહેલાં બોર્ડરનું બજેટ 12 કરોડ હતું અને અત્યારે “બોર્ડર 2″નું બજેટ 250 કરોડ કહેવાય છે. બોર્ડરમાં માત્ર લોંગેવાલા બેટલની વાત હતી જ્યારે “બોર્ડર 2″માં 1971નો મલ્ટી ફ્રન્ટ વોર સિનારીઓ છે, જેમા ઓપરેશન ચંગીઝ ખાન, બેટલ ઓફ પુંચ, બેટલ ઓફ બસંતાર અને ડિફેન્સ ઓફ આઇએનએસ ખુકરી સહિતની વાત આવરી લેવાઈ છે.
બોર્ડર ટુ નુ એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલુ છે અને એવું એક અનુમાન છે કે તા 23 જાન્યુઆરીના રોજ તેનું ફર્સ્ટ ડે ઓપનિંગ 100 કરોડ સાથે થઈ શકે છે અને પહેલું સપ્તાહ 500 કરોડ સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *