જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો-દાવેદારો પણ હવે મેદાનમાં આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ વચ્ચે ભાજપ દ્વારા બે દિવસ દરમિયાન જિલ્લાના બંને વિધાનસભા મતવિસ્તારના ચાર તાલુકાઓમાં વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને નિરીક્ષકો દ્વારા સેલ્સની પ્રક્રિયા કરવામાં આવી હતી. જિલ્લાની કુલ 162 બેઠક માટે કુલ 634 લોકોની દાવેદારી નોંધાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહદ અંશે ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. ત્યારે ભાજપ દ્વારા ચોક્કસાઈપૂર્વક ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તે હેતુથી બુધવાર તથા ગુરુવારે અનુક્રમે ખંભાળિયા તથા ભાટિયામાં નિરીક્ષકોના વડપણ હેઠળ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બુધવાર તા. 1 ના રોજ ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે કરવામાં આવેલી સેન્સની પ્રક્રિયામાં ખંભાળિયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની કુલ 8 બેઠકો માટે 38 ફોર્મ, તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 78 ફોર્મ અને ખંભાળિયા નગરપાલિકાની 36 બેઠકો માટે 181 ફોર્મ આવ્યા હતા. આ સાથે ભાણવડ તાલુકામાં જિલ્લા પંચાયતની 4 સીટ માટે 22 અને ભાણવડ તાલુકા પંચાયતની 16 સીટ માટે 45 ફોર્મ આવ્યા છે.
દ્વારકા તાલુકામાં જિલ્લા પંચાયતની ત્રણ સીટ માટે 22 ફોર્મ, દ્વારકા તાલુકા પંચાયત માટે 16 સીટ માટે 76 ફોર્મ, કલ્યાણપુર તાલુકામાં જિલ્લા પંચાયતની 7 સીટ માટે 26 ફોર્મ, કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 સીટ માટે 86 ફોર્મ અને રાવલ નગરપાલિકાની 24 સીટ માટે 60 ફોર્મ આવ્યા છે.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 22 બેઠક માટે 108 વ્યક્તિઓએ તેમજ ખંભાળિયા અને જામ રાવલ નગરપાલિકાની કુલ 60 બેઠક માટે 241 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ સાથે તાલુકા પંચાયતની કુલ 80 બેઠક માટે 285 દાવેદારી નોંધાઈ છે.
બે દિવસના સમયગાળામાં ભાજપના નિરીક્ષકો સમક્ષ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીમાં 162 બેઠક માટે 634 ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં સહભાગી થઈ ચૂંટણી લડવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષક તરીકે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પરમાર, પ્રદેશ કારોબારી સભ્ય તેજશ્રીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)
