Headlines

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬

ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ

     ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા હરીશભાઈ સોલંકી નામના પ્રૌઢને રોડ ક્રોસ કરતી વખતે અડફેટે લેતા તેમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

     અજાણ્યો વાહન ચાલક આ અકસ્માત સર્જીને દ્વારકા તરફ નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભત્રીજા વાઘાભાઈ નવીનભાઈ સોલંકી (ઉ.વ. 26 રહે. જામનગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.

_____________________________________________________________________________

મીઠાપુરમાંથી અસ્થિર મગજના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

       મીઠાપુરથી આશરે 9 કિલોમીટર દૂર મોજપ ગામના એક પેટ્રોલ પંપ પાસેથી ગઈકાલે સોમવારે આશરે 65 વર્ષના માનસિક રીતે અસ્વસ્થ મગજના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સ્થાનિક રહીશે પોલીસને જાણ કરતા મીઠાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

_____________________________________________________________________________

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

     યાત્રાધામ દ્વારકામાં હાલ હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકામાં આવેલી કાળા કાચ વાડી એક થારને અટકાવી, ચેકિંગ કરતા આ કારમાં લગાવવામાં આવેલા “પોલીસ” લખેલા બોર્ડ જોવા મળ્યા બાદ પૂછપરછમાં આ કારમાં અમદાવાદ તરફથી આવેલા ચાર શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હોવાનું કબુલતા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

       આ પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગજુભા માણેક તેમજ અન્ય સ્ટાફ ગઈકાલે સોમવારે હોળી-ધુળેટીના બંદોબસ્ત તથા પેટ્રોલિંગમાં હતા. ત્યારે દ્વારકામાં હાથી ગેઈટની સામેના માર્ગ પરથી કાળા કલરની મહિન્દ્રા કંપનીની થાર મોટરકાર આવી હતી. આ કારમાં તમામ કાચ કાળા હોય અને જી.જે. 18 ઈ.એફ. 7072 નંબરની આ થાર મોટરકારની આગળના ભાગે અંગ્રેજીમાં પોલીસ લખેલું બોર્ડ જોવા મળ્યું હતું.

       જેથી પોલીસ સ્ટાફે કારમાં રહેલા ચાર યુવાનોને બહાર બોલાવતા ત્રણ શખ્સો નીચે ઉતરીને પોતે અમદાવાદ શહેર ખાતે પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ ચારેય શખ્સોનો હુલિયો જોતા તેઓએ કાનમાં બુટી, માથાના મોટા વાળ અને ટેટુ ત્રોફાવેલું જોવા મળતા પોલીસને આ શખ્સો પોલીસ વિભાગમાં ન હોવાની શંકા જણાઈ હતી. આથી ફરજ પરના પોલીસ કર્મીઓએ થારમાં આવેલા શખ્સો પાસે પોલીસના ઓળખકાર્ડ માંગતા આ ચારેય શખ્સો એકબીજાના મોઢા જોવા લાગ્યા અને હતા અને થોથવાઈ ગયા બાદ પોતે પોલીસ ન હોવાનું કબૂલ્યું હતું.

       અમદાવાદ તરફથી દ્વારકા આવેલા મહાવીરસિંહ મહિપતસિંહ રાણા (રહે કોલટ, તા. સાણંદ), સાગર વિષ્ણુભાઈ રબારી (રહે. તા. દસકોઈ) આનંદ કનુભાઈ રબારી (રહે. કોલટ, તા. સાણંદ) અને જીગર કાળુભાઈ રબારી (રહે. બોપલ, તા. દસકોઈ, અમદાવાદ) નામના આ ચાર શખ્સોએ પોતે પોલીસ ન હોવાનું કબૂલી અને દ્વારકા આવતા રસ્તામાં કોઈ રોકટોક ન કરે તે હેતુથી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હોવાનું વધુમાં જણાવ્યું હતું.

     આથી પોલીસે તમામ ચાર શખ્સો સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ અટકાયત કરી, રૂ. 10,00,000 ની કિંમતની મોટરકાર કબજે કરી હતી.

_____________________________________________________________________________

દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર મહિલાઓ ઝડપાઈ..!!

     દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા સોમવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સનાતન સર્કલ પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ચાર મહિલાઓને અટકાવી ચેકિંગ કરતા આ મહિલાઓના કબ્જામાંથી વિદેશી દારૂની નાની-મોટી બાટલીઓ મળી આવી હતી.

       પોલીસ કાર્યવાહીમાં હાજરા રજાકભાઈ બેતારા (ઉ.વ. 23, રહે. રૂપેણ બંદર) પાસે રહેલા થેલામાંથી રૂપિયા 22,000 ની કિંમતની વિદેશી દારૂની 20 બોટલ, ખેરૂન ઉર્ફે સાયના ઈકબાલ શેખ (ઉ.વ. 19, રહે. રૂપેણ બંદર) પાસેથી રૂપિયા 8,800 ની કિંમતની 8 બોટલ, અન્ય એક મહિલા હુસેના ઈકબાલ ભડેલા (ઉ.વ. 36, રહે. ટીવી સ્ટેશન) ના કબ્જામાંથી રૂપિયા 13,200 ની કિંમતના વિદેશી દારૂના 48 ચપલા તથા અન્ય એક મહિલા ફાતમા સુલતાન ચંગડા (ઉ.વ. 38, રહે. રૂપેણ બંદર) પાસે રહેલા થેલામાંથી રૂપિયા 13,200 ની કિંમતના દારૂના 48 ચપલા મળી આવ્યા હતા.

       આમ, આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 57,200 ની કિંમત શરાબ અને રૂપિયા 16,000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 73,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી, તમામ ચાર મહિલાઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *