
હરેશ જોષી, રોયલ
તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલ ગામના ખેડુત મુકેશભાઈના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા છે.
તળાજા તાલુકાની ટીમાણા ગામની ગણેશ ઉચ્ચતર માધ્યમિક શાળા-ટીમાણામાં અભ્યાસ કરતા રોયલ ગામના ખેડુત મુકેશભાઈના દિકરા હિતેશ સાંગાણીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં જીવવિજ્ઞાનમાં 100 ગુણ અને ભૌતિક વિજ્ઞાનમાં 91 ગુણની સિધ્ધિ સાથે 99.84 પર્સન્ટાઇલ તેમજ ગુજકેટની પરીક્ષામાં 108.75 ગુણ પ્રાપ્ત કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે. પરિવારની પ્રેરણા-પ્રોત્સાહન અને આશીર્વાદ તેમજ શાળાના શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સિધ્ધિ પ્રાપ્ત થઈ હોવાનું હિતેશ સાંગાણીએ લાગણીવશ થઈ જણાવ્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવીને ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે. નિયમિત શાળાના સમય બાદ 5 થી 6 કલાકની મહેનત તેમજ શાળામાં લેવાતી મોક ટેસ્ટ આ પરિણામ માટે ખૂબ મદદરૂપ થાય છે. જેના થકી આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યુ હતું.