ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે ‘ઝેરમુક્ત ખેતી-અમૃતમય ખેતી’નો મંત્ર લઈને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે. તેમના દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માં જમીન અને પાકને સુરક્ષિત રાખવા માટેની પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તક અનુસાર, ખેતીની સફળતાનો મુખ્ય આધાર ‘બીજ સંસ્કાર’ એટલે કે બીજામૃત પર રહેલો છે.


પુસ્તકના સંદર્ભ મુજબ, વાવણી કરતા પહેલા બિયારણને બીજામૃતથી માવજત આપવી અત્યંત અનિવાર્ય છે. આ માટે કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર ઘરે જ સામગ્રી તૈયાર કરી શકાય છે. બીજામૃત બનાવવા માટે ૫ કિલો દેશી ગાયનું છાણ, ૫ લીટર ગૌમૂત્ર, ૨૫૦ ગ્રામ ચૂનો (અથવા કળી ચૂનો), ૨૦ લીટર પાણી અને એક મુઠ્ઠી ખેતરની માટીની જરૂર પડે છે. આ તમામ સામગ્રીઓને પાણીમાં મિશ્ર કરી ૨૪ કલાક સુધી રાખવામાં આવે છે અને દિવસમાં બે વાર લાકડીથી હલાવવામાં આવે છે.
તૈયાર થયેલા આ મિશ્રણનો પટ બિયારણ પર આપી, તેને છાંયડામાં સૂકવીને વાવણી કરવાથી આશ્ચર્યજનક પરિણામો મળે છે. આ પદ્ધતિથી તૈયાર કરેલું બિયારણ ઝડપથી અને વધુ પ્રમાણમાં અંકુરિત થાય છે, છોડના મૂળનો વિકાસ વેગ પકડે છે અને મુખ્યત્વે જમીનજન્ય રોગો સામે કુદરતી રક્ષણ મળે છે, જેનાથી પાક વધુ તંદુરસ્ત અને મજબૂત બને છે.
