ફાર્બસ ગુજરાતી સભાના વ્યાપન પ્રકલ્પ અને લોકભારતી વિશ્વવિદ્યાલય, સણોસરા,-ના સહકારમાં 9મીએ અનુબંધ-શિબિર

મૂકેશ પંડિત, ભાવનગર

કલા અને વાસ્તવ, સાહિત્ય અને સમાજ, તેમ જ રસાનુભવ અને જીવનની સમજણ એકબીજાં સાથે અનેક રીતે જોડાતાં રહે છે. એ સર્વ અનુબંધો અને આંતર કૃતિત્વોને જોવા, સમજવા, તપાસવાની સજ્જતા આ શિબિરમાં જોડનાર સહુ જાતે કેળવે, એનો અવસર એટલે આ વ્યાપન-પ્રસંગ.

ત્રણ દિવસની આ સજ્જતા શિબિરમાં ગુજરાતના કેટલાક ઉત્તમ કેળવણીકારો, સાહિત્ય સર્જકો અને માધ્યમવિદો આપણી સાથે રહેશે. આરંભે, ’’સાહિત્યના સાખ પડોશીઓઃ સમાજ, ઈતિહાસ અને વિજ્ઞાન’’ એ અનુબંધ વિશેની વાતની માંડણી લોકભારતી વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ, ભારતના અગ્રણી વિજ્ઞાનવિદ અરુણ દવે કરશે. વિશ્વકવિતામાં વ્યાપન કઈ રીતે થતું જોવામાં આવે છે એ તપાસવા, “કવિતાનું પોતાનું ઘરઃ ઓરડો,ઓસરી અને આંગણું’’ એ વિશેનું સંવાદ-વક્તવ્ય પ્રસ્તુત કરશે કવિ, નાટ્યકાર સિતાંશુ યશશ્ચન્દ્ર. સાથે જ, અગ્રણી પ્રોફેસર પરમાર, વિખ્યાત લોકવિદ્યાવિદ પ્રોફેસર ભીમજી ખાચરીયા, આકાશવાણીના વિવિધ કેન્દ્રોના પૂર્વ નિયામક અને ઉત્કૃષ્ટ કવિ વસંત જોશી સાહિત્ય અને જીવનના વિવિધ અનુબંધો વિશે પોતાનાં વક્તવ્યો પ્રસ્તુત કરી, શિબિરાર્થીઓ સાથે સંવાદ રચશે. લોકભારતી વિશ્વવિદ્યાલયના કુલપતિ અને કેળવણીવિચારના અગ્રણી ચિંતક રાજેન્દ્ર ખીમાણી અને ઉપકુલપતિ, આધુનિક વિશ્વસાહિત્યના વિવેચક વિશાલ ભાદાણી બે બેઠકોની અધ્યક્ષસ્થાનેથી આ સમગ્ર વિચાર વિમર્શમાં જોડાશે.

એક વહેલી રાતે સણોસરાના પ્રદૂષણમુક્ત વાતાવરણમાં આલોકિત તારામંડળનું આકાશદર્શન કરાવશે યુવા સાહિત્યકાર ધરતી જોગરાણા અને પ્રોફેસર હસમુખ દેવમુરારી. સમગ્ર કાર્યક્રમનું અને વિવિધ બેઠકનું સંચાલન સર્જક – સંશોધક – આલોચક સર્વ નીતા જોશી, ઇંદુ જોશી, ચાર્વી ભટ્ટ, રમજાન હસણીયા, વિશાલ જોશી, જનક રાવલ, નીતિન ભીંગરાડીયા દ્રારા કરવામાં આવશે.
અંતિમ બેઠકમાં તમામ સહભાગીઓ કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર સાથે મુક્ત ગોષ્ઠિ કરી પોતાના પ્રશ્નો અને વિચારોની આપ-લે કરશે. આ અનોખી શિબિર યુવા ગુજરાતી માટે સાહિત્યને વિવિધ વિદ્યાશાખાઓના સંદર્ભે સમજવાની એક અમૂલ્ય તક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *