
નારન બારૈયા
“ઓ રોમિયો”ના ગીતો: ખતરનાક લવ ડોઝ
નીચે પાનની દુકાન હોય અને એ દુકાનની ઉપર જુલીનું મકાન હોય. તો બચીને જ આવવું પડે ને! પણ બચીને આવો કે ના આવો, જુલી જ તમને એમ કહે કે તમારા માટે શરબત બનાવ્યું છે. ઉપર આવી જાઓ અને કાજલ લગાવી જાઓ, જેથી કરીને કોઈની નજર ના લગે… આવું તો ઘણું બધું જૂલી કહે છે. તમે પણ ઝૂલીને ઘણું બધું દિલ ખોલીને કહી શકો એમ છો. તમે આ વાત ગાઇને પણ કહી શકો તેમ છો. કારણ કે આ ગીત તમારું જ છે. પણ ફક્ત ફોર્માલીટી ખાતર આ ગીત કવિ ગુલઝારની કલમે લખાયેલું છે. ગુલઝાર દ્વારા આ ગીત વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો” માટે લખાયેલું છે. ગીતનું મુખડું છે :
” નીચે પાન કી દુકાન, ઉપર જુલી કા મકાન, બચકે આના મેરી જાન, તાતા તાતા થૈયા…”
સુખવિંદર સિંઘ અને રેખા ભારદ્વાજના તાનસભર અવાજમાં ધમાકેદાર લવ ડોઝ ધરાવતું આ ગીત દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે પોતે જ સંગીતથી સજાવ્યું છે. ગીત સાંભળીને તમે ફુર્-ર્-ર્-ર્… અને તાતા તાતા થૈયા… બોલતા ન થઈ જાઓ તો સમજવાનું કે તમને ગીત અને સંગીત સમજતા આવડતું નથી અથવા તો તમે માનસિક રીતે ઘરડા થઈ ગયા છો.
2026 ના વેલેન્ટાઈન દિવસના આગલા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર “ઓ રોમિયોના તમામ ગીત અલગ અલગ પ્રકારના તીખા-મીઠા-ખાટા-કડવા-લવ રસમાં બોળેલા છે.
સામાન્ય રીતે આપણે અમુક ચોક્કસ વર્ગની કોલોનીઓ (વસાહતો) જોયેલી છે. દાખલા તરીકે ડોક્ટર કોલોની, પત્રકાર કોલોની, વકીલ કોલોની વગેરે. પણ કવિ ગુલઝાર અહીં એક નવી જ કોલોની લાવ્યા છે. મધુબંતી બાગચીના અવાજમાં એક બેન કહે છે:
आशिक़ों की कॉलोनी में घर ले लिया
इश्क़ का इत्र महँगा था पर ले लिया
शाम-ए-ग़म के लिए कुछ ज़हर ले लिया
जीने-मरने के सामान सारे मिले
आशिक़ों की कॉलोनी में घर ले लिया
બેન બહુ ભણેલા નથી એટલે “કોલોની”ને બદલે “કલોની” બોલે છે. આપણે ચલાવી લેવાનું કારણ કે મામલો પ્રેમનો છે અને પ્રેમમાં બહુ ભણેલા હોવું જરૂરી નથી. અભણ લોકો પ્રેમમાં બહુ જ સારા માર્ક મેળવે છે. બેને આશિકોની કોલોનીમાં નવું નવું ઘર લીધું છે એટલે અહીંનો માહોલ કેવો છે તે બતાવવા માટે એક ભાઈને એવું પણ કહ્યા કરે છે કે – दर्द अनोखे हैं कुछ आशिक़ों के यहाँ, उसके घर का पता पूछ कर ले लिया, दिल जलाने का हमने हुनर ले लिया, डूब कर ले लिया, तैर कर ले लिया વગેરે વગેરે વગેરે… આપણે ધ્યાનથી સાંભળીએ તો માલુમ પડે છે કે આશિકોની આ કોલોનીમાં કવિઓ અને તેમાં પણ ખાસ કરીને શાયરો વધુ રહેતા હશે કારણ કે કવિઓને લાઈન મારવાની મજા આવે એવી કેટલીક લાઇનમાં આ બેન કહે છે:
उड़ती ज़ुल्फ़ों के मफ़लर सँभाले हुए
शायरों ने जो घर चौक पर ले लिया
इक तरन्नुम की बौछार उड़ने लगी
इक उदासी का सबने असर ले लिया
આ બહેનના જવાબમાં એક ભાઈ પણ ઘણું બધું બોલે છે પણ એ ભાઈ પુરુષ હોવાથી એના જોરદાર શબ્દો લખવાની મને આળસ ચડે છે પણ ગીતની શરૂઆતમાં જ એ ભાઈ આ શેર ફટકારીને પહેલા બેનની આળસ ઉડાડે છે: (જાવેદ અલીના અવાજમાં)
कहिए, क्या पेश करें? दिल और जाँ हाज़िर
आशिक़ों की बस्ती में आपका मकाँ हाज़िर
વચ્ચે વચ્ચે એમ પણ કીધે રાખે છે કે:
आप मालिक-मकाँ हो गए आज से
दिल पे हक़ था, वही माँग कर ले लियाએટલે એવું લાગે છે કે જે મકાન દલાલી લીધા વગર આ ભાઈએ બેનને ભાડે આપ્યું છે એ જ મકાનના માલિક પણ એને બનાવી દીધા છે. આ ભાઈએ પ્રેમમાં એટલે કે રોમિયોગીરીમાં પીએચડી કર્યું હોય એવું લાગે છે કારણ કે તે સાદો નહીં પરંતુ સ્પેશિયલ ઇન્સોમેનિયા
પાળીને બેઠા છે. બીજા એક ગીતમાં પોતે એકલા એકલા જ બહેનની સાથે વાત કરતાં કરતાં (અરિજિત સિંગના અવાજમાં) કહે છે:
सौ साल से सोए ना थे तेरे ही लिए तो
हम तो तेरे ही लिए थेઆ ભાઈ પ્રેમમાં આડેધડ અથવા તો ઉભેધડ પડેલા છે એવું સ્પષ્ટ દેખાય છે કારણ કે કારણ કે જો તેઓ 100 વર્ષથી સુતા ન હોય તો આ સમય દરમિયાન તેમણે શું કર્યું છે તે સવાલ તો એક બાજુ રહી જાય પણ અસલ સવાલ એ થાય કે એમની ઉંમર કેટલી હશે? અને કઈ ઉંમરે એ પ્રેમમાં પડ્યા હશે? જો 20 વર્ષની ઉંમરે પ્રેમમાં પડવાનું એમણે ચાલુ કર્યું હોય તો પણ કમસેકમ એમની ઉંમર 120 વર્ષ તો ગણી શકાય. તો શું 120 વર્ષની ઉંમરે પણ તેઓ આટલા જોરદાર રોમેન્ટિક ગીત ગાવા માટે સક્ષમ રહ્યા છે? બીજી બાજુ વીડિયોમાં જોઈએ તો આ ભાઈ (શાહિદ કપૂર) માંડ 30-35 વર્ષના લાગે છે. આનો મતલબ એ પણ થયો કે આ ભાઈનું ગણિત બરાબર નથી. જોકે આપણે એવું પણ ગણી શકીએ કે પ્રેમની ગણતરીઓમાં મેથેમેટિક વાળી ગણતરી ચાલતી નથી અને મેથેમેટિકના ગણિતમાં પાકા હોય એ લોકો પ્રેમમાં ચાલતા નથી. આ ગીતમાં આ ભાઈ જે કંઈ દર્દભર્યા પ્રેમના ઉઘરા કાઢે છે એ બધા જ આવા ગણિત વગરના જ છે. દાખલા તરીકે:
कभी ऐसा भी लगा है
मैं भी यहीं हूँ, तुम भी यहीं हो
मैं यहीं पे रुका हूँ
आँखों में तो देखो, आँखों पे झुका हूँ
साथ ही रहेंगे, इंशाल्लाह
અચ્છા, જેની સાથે આ વાત થઈ રહી છે એ બેન હાજર નથી અને ફ્લેશબેકમાં પણ કંઈ બોલતા નથી! એવું લાગે કે આ ભાઈ સો સાલ સે, સો સાલ સે કરતાં કરતાં બીજા 100 સાલ કાઢી નાખશે, તોય પેલા બેન કંઈ બોલશે નહીં. બોલી શકે એમ જ નથી, બોલવા જેવું કંઈ રહ્યું નથી.
પ્રેમમાં પડે એટલે માણસ ક્રિમિનલ હોય તો પણ કવિ તો બની જ જતો હોય છે અને કવિ બને એટલે માણસને ગણિતમાં અને વ્યાકરણમાં લોચા મારવાનો અધિકાર ઓટોમેટીક મળી જતો હોય છે. આ ભાઈ માત્ર ગણિતમાં જ નહીં વ્યાકરણમાં પણ આવું કહીને (અરિજિત સિંગના અવાજમાં ગાઇને) લોચા મારે છે:
तुझे सोच सोच कर दिन गुज़रते हैं
हर ख़्वाब में तेरी तस्वीर उतरते हैं…
“તેરે બારેમે સોચ સોચ કર”ને બદલે સીધું જ કહે છે કે “તુઝે સોચ કર” – તને વિચારીને. જોકે વ્યાકરણ વાળાઓ કરતાં સાહિત્ય વાળાઓ આ શબ્દ પ્રયોગને “ક્રિમિનલ” ન ગણે પણ ક્રિએટિવ ગણે. વિશાલ ભારદ્વાજ અને ગુલઝારે એમની ક્રિએટિવિટી એટલી મસ્ત રીતે કામે લગાડી છે કે આ ભાઈને બધી જ રીતે ડિસ્ટ્રિક્ટિવ અને ડિસ્ટ્રિક્ટેડ બનાવી દીધો છે. આ ભાઈ (શાહિદ કપૂર)ને તાવ આવે તો પણ તે પ્રેમનો તાવ એટલે કે “ઇશ્ક કા ફીવર” આવે છે. અરિજિત સિંઘના અવાજવાળા વધુ એક ગીતમાં આ ભાઈ કહે છે:
मुझे इश्क़ हुआ है या होने वाला है
मुझे इश्क़ हुआ है या होने वाला हैઆ એની ઉલઝન છે કે ધમકી છે એ પણ ખબર પડતી નથી. એને કે આપણને કંઈ જ ખબર પડતી નથી. એ પૂછે છે:
नफ़्ज़ सहम के चलती है, हँसी भी मुजरिम लगती है
क्या हुआ है मुझको? क्यूँ तन्हाई अच्छी लगती है?
એનું બધી જ બાબતમાં આવું છે:
दिन तो अच्छा गुज़रता है, और शाम भली लगती है
पोले-पोले पाँव से जब ये रात उतरती है
डर लगता है मुझको, तू जाने वाला है
આપણે કહેવું જ પડે કે ભાઈ વાહ, क्या रोग ये पाला है?
ઓ રોમિયોના તમામ ગીતો તમામ એન્ગલથી જોરદારના પેટના બન્યા છે. સિગરેટ અથવા તો દારૂના પેગ સાથે પોતપોતાના દર્દને મસ્તીભર્યા એકાંતમાં વાગોળી રહેલા યુવાનોને કાનમાં ઈયર બડ ખુશીને શાંતિથી સાંભળવા ગમે એવા ગીતો પણ આ છે અને ડાન્સ પાર્ટીમાં કે ગરબામાં નાચતા નાચતા ગાવા ગમે એવા ગીતો પણ આ છે. (બીડી જલાઈ લે, ભારદ્વાજ, ગુલઝાર !) ગીતો ભારતભરમાં ધૂમ મચાવી રહ્યા છે એનું એક જ કારણ છે – ગુલઝાર અને વિશાલ ભારદ્વાજે મળીને રોમિયોને સુખ અને દુઃખ બંનેથી બરાબરનો ધોકાવ્યો છે. ઓ રોમિયો!
