બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ

– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા –

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

       બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

     આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક બેટ દ્વારકાધીશ મંદિરમાં યાત્રાધામનો મહિમા યાત્રાળુઓને વર્ણવી યજમાનો પાસેથી મળેલ સહર્ષ દક્ષિણાથી ગુજરાન ચલાવી યજમાન વૃત્તિ કરનારા બ્રાહ્મણોએ બેટ દેવસ્થાન સમિતિ દ્વારા આશરે 25 દિવસ પહેલા અમલમાં લાવેલા યજમાનવૃત્તિ સાથે જોડાયેલ બ્રાહ્મણોનો મંદિરમાં યજમાનવૃત્તિ કરવા માટે પ્રવેશ નિષેધ કરવાથી અહીંના બ્રાહ્મણોની હાલત કફોડી બની છે.

        બેટના દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિએ એકમાત્ર આવકનો સ્ત્રોત ધરાવતા તીર્થગોર બ્રાહ્મણોને આ નિર્ણયથી આર્થિક ફટકો પડયો હોય, આવકનો સ્ત્રોત બંધ થતાં બ્રાહ્મણો અસહાય જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે. જેથી આજરોજ બેટ ગુગળી બ્રાહ્મણો સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ઠાકર સહિત સેંકડો બ્રાહ્મણોએ તંત્રના મનસ્વી નિર્ણય સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો હતો. બ્રાહ્મણો આગેવાનોએ તીર્થ પુરોહિતોને કથિત રીતે દેવસ્થાન સમિતિએ તીર્થગોર સામે યજમાનવૃત્તિ ન કરવા દેવાના મનસ્વી નિર્ણયથી બ્રાહ્મણોને દાન સ્વરૂપે મળતી આવક બંધ થતાં બ્રાહ્મણો ખૂબ જ હાલાકીમાં મુકાઈ રહ્યા છે.

        વધુમાં તેઓએ શાંતિપૂર્ણ વિરોધનો સૂર દાખવતા આગામી સમયમાં આ અંગે યોગ્ય ઉકેલ ન આવે તો બ્રાહ્મણો દ્વારા વધુ આંદોલનાત્મક પગલા લેવાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

– આગામી ટ્રસ્ટી મંડળની મીટીંગમાં નિર્ણય લેવાશે : ટ્રસ્ટી –

       સામા પક્ષે બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી પ્રમોદભાઈ ઉમાશંકર ભટ્ટે જણાવ્યું હતું કે સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકામાં યાત્રિકોનો પ્રવાહ વધ્યો છે. મંદિર આસપાસ સંકળાશના કારણે યાત્રિકોના ઘસારાને પહોંચી વળવામાં સરળતા રહે તે હેતુથી સંબંધિત તંત્રના સૂચન બાદ પશ્ચિમ દિશા તરફથી યાત્રીકોને એન્ટ્રી અને પૂર્વ દિશા તરફથી એક્ઝિટની વ્યવસ્થા હાલ અમલમાં મૂકવામાં આવી છે. જેના કારણે યાત્રીકોને સરળતા રહે તેવી વ્યવસ્થા અમલમાં છે. હાલમાં બ્રાહ્મણોના વિવાદ અંગે તેમણે જણાવ્યું કે આગામી ટ્રસ્ટી મંડળની મીટીંગમાં આ મુદ્દો ચર્ચામાં લેશું અને જે કોઈ લોકોનો પ્રશ્ન કે વ્યાજબી માંગણી અંગે હકારાત્મક અભિગમ દાખવવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *