ફિલ્મોરિયમ – નારન બારૈયા
જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ હતો. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય હતી. બહુ મોટા મોટા બેનરની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ મળ્યો અને ડિસ્ટ્રીબ્યુટરે તમામ સિંગલ સ્ક્રીન થિયેટરોને સાફ જણાવી દીધું કે બે સપ્તાહ સુધી માત્રને માત્ર “બોર્ડર 2” જ ચાલશે. અને 7 કે તેથી વધુ સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સને રોજના 20 શો કરવા પડશે.
ઉલ્લેખનીય છે કે “બોર્ડર 2” એ 1997માં આવેલી જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર”ની સિક્વલ છે. “બોર્ડર” એ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લડાયેલ બેટલ ઓફ લોંગેવાલા (1971) પર આધારિત હતી. ફિલ્મ મલ્ટી સ્ટારર હતી અને તેમાં સની દેઓલ, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી, સુદેશ બેરી, કુલભૂષણ ખરબંદા, પુનિત ઇસ્સાર, તબુ, પુજા ભટ્ટ, રાખી ગુલઝાર સહિતના અનેક મોટા સ્ટારકાસ્ટની મહત્વની ભૂમિકાઓ હતી. જ્યારે “બોર્ડર 2″માં સની દેઓલ, વરૂણ ધવન, દિલજિત દોસાંજ અને આહાન શેટ્ટી સહિતનું સ્ટારકાસ્ટ છે પણ તેમાં હોટ સ્ટાર તો માત્ર સની દેઓલ જ કહી શકાય. 1997ની “બોર્ડર” ફિલ્મમાં ગજબની લોકપ્રિયતા મેળવનાર ગીતોનું સંગીત અનુ મલીકે એકલા હાથે આપ્યું હતું. એમણે એ વખતે ક્રિએટ કરેલા “સંદેશે આતે હૈ”, “એ જાતે હુએ લમ્હોં” અને “હિન્દુસ્તાન મેરી જાન” સહિતના ત્રણ ગીતો “બોર્ડર 2″માં રિક્રીએટ થયા છે એટલે કે ધૂન એની એ જ છે પરંતુ એ જ ધૂનમાં નવા શબ્દો ઢાળવામાં આવ્યા છે. તેમ છતાં ફિલ્મમાં કુલ 51 મિનિટ જેટલો સમય લેનાર 9 ગીતો માટે અનુ મલિક ઉપરાંત મિથુન, સચેત-પરંપરા, વિશાલ મિશ્રા અને ગુરમો સહિતના સ્ટાર સંગીતકારોને કામે લગાડવામાં આવ્યા છે મતલબ કે સંગીતની દ્રષ્ટિએ આ ફિલ્મ મલ્ટી સ્ટારર છે એમ કહેવું પડે. 1997માં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકેની બેવડી જવાબદારી જે. પી. દત્તાએ એકલા હાથે નિભાવી હતી. જ્યારે આ વખતે દિગ્દર્શનની જવાબદારી અનુરાગ સિંગને સોંપવામાં આવી છે અને પ્રોડ્યુસર તરીકે જેપી ફિલ્મસ અને ટી સિરીઝના બેનર હેઠળ આ જવાબદારી જે.પી. દત્તા ઉપરાંત નીધિ દત્તા, ક્રિષન કુમાર અને ભૂષણ કુમારે નિભાવી છે. એટલે પ્રોડક્શનની દ્રષ્ટિએ પણ “બોર્ડર 2″ને મલ્ટી સ્ટારર કહેવી પડે. 28 વર્ષ પહેલાં બોર્ડરનું બજેટ 12 કરોડ હતું અને અત્યારે “બોર્ડર 2″નું બજેટ 250 કરોડ કહેવાય છે. બોર્ડરમાં માત્ર લોંગેવાલા બેટલની વાત હતી જ્યારે “બોર્ડર 2″માં 1971નો મલ્ટી ફ્રન્ટ વોર સિનારીઓ છે, જેમા ઓપરેશન ચંગીઝ ખાન, બેટલ ઓફ પુંચ, બેટલ ઓફ બસંતાર અને ડિફેન્સ ઓફ આઇએનએસ ખુકરી સહિતની વાત આવરી લેવાઈ છે.
દેશભક્તિની ફિલ્મ હોય એટલે અમસ્તુએ એનું નબળું કશું બોલવાનું ન થાય. દેશભક્તિની ફિલ્મો કોઈ બનાવે છે એ જ મોટી વાત છે. તેમ છતાં “બોર્ડર 2” જોયા પછી એટલું તો કહેવાનું મન થાય જ છે કે “બોર્ડર ” (1997) જેવી ક્લાસિક મુવી આ નથી. જેપી દત્તાના પોતાના અંગત પ્રશ્નો હશે પરંતુ પ્રશ્ન એ તો થાય જ છે કે જેપી દત્તાએ પોતે આ ફિલ્મનું નિર્દેશન શા માટે ના કર્યું? 1997ના ગીતો રિપીટ કર્યા હોવા છતાં તે સંગીત અને પિક્ચરાઈઝેશનની દ્રષ્ટિએ પણ નબળાં લાગે છે. સ્ટોરી અને સ્ક્રીન પ્લે પણ 1997 જેવો જાદુ કરી શક્યા નથી. કેટલાક સીન વધુ પડતી અને બિનજરૂરી ડીટેલમાં જાય છે તે સફળતાપૂર્વક કંટાળો આપે છે. અગાઉ આપણે ફિલ્મના ગીતો વખતે ટોકીઝમાંથી બહાર જઈને કુદરતી ઇચ્છાઓ પૂરી કરી આવતા હતા. અહીંયા તો અમુક સીન જ એવા છે કે થોડીવાર ઝોલું ખાઈ જાવ તો પણ ચાલે. 1997ની “બોર્ડર”માં સૈનિકોની પોતપોતાની પત્નીઓ, પ્રેમિકાઓ માતાઓ અને ઘર પરિવારના સભ્યો સાથેના પોતપોતાના સંબંધો અને લાગણીઓ વિગતવાર વર્ણવ્યા હતા તે સરસ લાગતું હતું. પણ અહીંયા 2026માં પણ નવા પાત્રોના મુખ્ય થોડા ફેરફાર સાથે ધાબડી દીધા છે ફિલ્મની લંબાઈ 3 કલાક 19 મિનિટની છે. ટૂંકાવવાની જરૂર હતી. સટાસટ સીન પસાર થઈ જતા હોય તો આપણે સમજી જઈએ કે ભાઈનું ઓલી કે ઓલા સાથેનું ઈમોશનલ બોર્ડિંગ ઘણું મજબૂત હતું. એને બદલે અહીંયા તો લાંબા લાંબા કંટાળાજનક ગીતો પણ ફટકારી દીધા છે. ગીતો અને બીજા ઘણા બધા લાગણીવેડામાં ઊંડા ઉતરવાને બદલે એ વખતના પોલિટિકલ સીનારીઓમાં ડોકિયું કર્યું હોત તો ફિલ્મ વધુ આકર્ષક બની શકે હોત. ફિલ્મ જોઈએ તો એવું લાગે કે બસ સૈનિકોને અને તેમના અધિકારીઓને બસ રેઢેરેઢા લડવા માટે મોકલી દીધા હોય. પોલિટિકલ કમાન્ડનું તો જાણે કોઈ મહત્વ જ નથી!
કોઈ જગ્યાએ યુદ્ધ થતું હોય તો આપણી ઊંઘ ઊડી જતી હોય છે અને યુદ્ધસ્ય કથા રમ્યા લાગે છે પણ અહીંયા તો યુદ્ધમાં પણ એકધારાં રીપીટેટીવ દ્રશ્યો આવ્યા કરે છે. એટલે યુદ્ધ વખતે પણ ઊંઘ આવે છે. યુદ્ધમાં પણ લશ્કર ક્યાં લડે છે બહુ સમજાતું નથી. યુદ્ધ આપણે લડવા જતા હોઈએ તો ક્યારેક આપણને એ ન સમજાય એવું બને પણ દર્શક તરીકે તો આપણને સમજાવવાની જવાબદારી દિગ્દર્શકની છે. યુદ્ધના અડધાં દ્રશ્યો ઊંઘજનક છે પણ અડધા દ્રશ્યો ઊંઘ ઉડાડનારા પણ છે એટલે સરભર થઈ જાય છે. ફિલ્મમાં તમામ અભિનેતાઓનો અભિનય ઓકે ઓકે છે પણ સની દેઓલનો અભિનય પૈસા વસૂલ કરાવી આપે છે.
સની દેઓલના ભાગે આવેલા ડાયલોગ્સ કરતા તેણે આપેલી ડાયલોગ ડિલિવરી વધારે સુંદર છે. ફિલ્મ એકાદ વાર જોવામાં કંઈ ખોટું નથી કેમકે 1971નું યુદ્ધ કઈ રીતે લડાયું હતું તેનો આછો-પાતળો ખ્યાલ આવશે. એ વખતના શસ્ત્રો, વોર સ્ટ્રેટેજી વગેરેનો અંદાજ આવશે. બાકી તો દેશભક્તિની ફિલ્મ હોય ત્યાં વધુ શું કહેવાનું હોય? હા, એટલું તો કહી દેવું પડે કે આવું ને આવું કરવાનું હોય તો “બોર્ડર 3” નહીં બનાવતા. એટલું ખરું કે શાહરુખ ખાન કે અમીરખાન જેવાઓ દેશભક્તિની આડમાં પરદેશભક્તિની ફિલ્મો બનાવે છે તેના કરતાં આ ફિલ્મ સારી કહેવાય.
બીજી વાત, “બોર્ડર 2″ને ઓપનિંગ કલેક્શન સારું મળ્યું છે કારણ કે મેગા હિટ “ધૂરંધર” દૂર ચાલી ગઈ છે અને હવે પછી આવનારી મોટી ફિલ્મો પણ દૂર છે. એટલે ફિલ્મ પોતાનો 250 કરોડ લોક ખર્ચો ઊભો કરવામાં અને વધારાની સારી એવી કમાણી કરવામાં સફળ જાય અને સુપરહિટ બને તો પણ ફિલ્મ ક્રાફ્ટ્સમેનશીપની દ્રષ્ટિએ ફિલ્મ બોર્ડર 1997ની તોલે નથી આવતી એ તો પાકું જ છે.
