કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫
ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે અંદાજિત રૂ. 2.47 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અહીંના ધારાસભ્ય અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવેલા લોકાર્પણમાં તેમણે જણાવ્યું હતું કે, આજરોજ મોટા કાલાવડ ગામે રૂ. 2.47 કરોડના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણની બુનિયાદ મજબુત બને, બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે, તેવા ઉમદા આશયથી માળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનાવવા માટે અનેકવિધ પ્રયાસો સઘન બનાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં નાગરિકોના મનમાં ખાનગી શાળાઓમાં જ સારો અભ્યાસ થશે એવી ગ્રંથિ કેળવાઈ ગઈ હતી. પરંતુ શિક્ષણ માટે અનેકવિધ યોજનાઓ, માળખાકીય સુવિધાઓ પરિણામે હાલના સમયમાં નાગરિકો પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા તરફ વળ્યા છે જે સરકારના શિક્ષણ પ્રત્યેના પ્રયત્નો થકી સાર્થક બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ ધપાવી રહી છે. શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળકો સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી શકે તે માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે. હાલના આધુનિક સમયમાં બાળકોના કૌશલ્ય વિકાસ માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ શાળાઓમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પને ચરિતાર્થ કરવા માટે શિક્ષણ ખૂબ જ આવશ્યક પરિબળ છે. શિક્ષણની સાથે પર્યાવરણની કાળજી રાખવી આવશ્યક છે. જેથી આપણે સૌ નાગરિકો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લઈએ તેમજ આપણી આવનારી પેઢીને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપીએ.
આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડિંગમાં વિજ્ઞાન પ્રયોગશાળા, અદ્યતન કોમ્પ્યુટર લેબ તથા રમત ગમત મેદાનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષવર્ધન જાડેજા, મામલતદાર અશ્વિન ચાવડા, પાલાભાઈ કરમુર, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઈ કરમુર, અલ્પેશભાઈ પાથર, ચેતનભાઈ રાઠોડ, અજયભાઈ કારાવદરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(ફોટો:- કુંજન રાડિયા)






