Headlines

ભાવનગરના જાળીયા પાસે ગમખ્વાર અકસ્માત: ડિવાઈડર સાથે બુલેટ અથડાતાં ૩ યુવાન મિત્રોના મોત

​વિપુલ હિરાણી 

ભાવનગર તા.૮

 ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે જાળીયા અને માંડવા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામ જાળીયા ગામે પાન-માવાની દુકાન ચલાવતા રવિભાઈ જીવરાજભાઈ ડાભીનો મોટો ભાઈ કમલેશ જીવરાજભાઈ ડાભી ઉં.વ. ૨૪) તેના મિત્રો સદામખાન દોલતખાન પઠાણ અને સંજયભાઈ ઉર્ફે હકો સોલંકી સાથે બુલેટ  નંબર GJ-01-MV-1775 પર સવાર થઈ લીમડા તરફ ગયા હતા. જ્યારે આ ત્રણેય મિત્રો લીમડાથી પરત જાળીયા આવી રહ્યા હતા, ત્યારે શ્રીજી વોટર પાર્ક પાસે ચાલક સદામખાન પઠાણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બુલેટ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે જોરભેર ભટકાતા ત્રણેય યુવાનો હવામાં ફંગોળાયા હતા.

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ઢસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે કમલેશ ડાભી અને સદામખાન પઠાણને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ત્રીજા મિત્ર સંજય સોલંકીને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત નીપજ્યું હતું.

એકસાથે ત્રણ યુવાનોના કાળઝળ અકસ્માતમાં મોત થતા સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ પૂરઝડપે વાહન ચલાવવું ત્રણ મિત્રો માટે જીવલેણ સાબિત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *