Headlines

ભાવનગરના પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ: રાબેતા મુજબ વાત ‘ખોટી’ નીકળી

વિપુલ હિરાણી 

​ભાવનગર તા. ૨૭

ભાવનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને સાઈનાઈડ ગેસ ભરેલા RDX બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી. જેના પગલે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરાઈ હતી. આથી મામલાની ગંભીરતાને ધ્યાને લઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, SOG, LCB તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી.

​સુરક્ષાના કારણોસર કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી. તપાસના અંતે કશું જ વાંધાજનક મળી આવ્યું ન હતું, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આજે સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું હતું.

​સુરતમાં પાસપોર્ટને લગતી કેન્દ્રીય કચેરીને ઈમેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ જે-તે કચેરીઓને જાણકારી અપાઈ હતી. આ માહિતીના આધારે ભાવનગરમાં પણ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ સંકુલની બાજુમાં આવેલી હાઈકોર્ટ, ફેમિલી કોર્ટ, સિવિલ કોર્ટ, ફાસ્ટટ્રેક કોર્ટ કચેરી અને વકીલ રૂમ સહિતની કચેરીઓ પણ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસમાં કોઈ વિસ્ફોટક મળી આવ્યું નહોતું. આ ઓપરેશન દરમિયાન હાઈકોર્ટ રોડ બંધ રાખવામાં આવતા વાહનચાલકો અટવાયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. આ નકલી ધમકીના મામલે આખા શહેરમાં ભારે ચર્ચા જાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *