વિપુલ હિરાણી દ્વારા, ભાવનગર તા.૨૦
ગોહિલવાડની સંસ્કાર નગરી ભાવનગરની આન, બાણ અને શાન સમાન ૧૪૪ વર્ષ જૂની ઐતિહાસિક ‘બાર્ટન લાઈબ્રેરી’ હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે. મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ ૧૮૮૨માં સ્થાપિત આ લાઈબ્રેરીના નવિનીકરણ માટે ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગોથિક શૈલી અને રાજુલાના પથ્થરોનું અદભૂત સંગમ:દિવાનપરા રોડ પર આવેલી આ લાઈબ્રેરી યુરોપિયન ગોથિક અને ભારતીય સ્થાપત્ય શૈલીનું બેનમૂન ઉદાહરણ છે. રાજુલાના સેન્ડ સ્ટોન, ચુનાનું ચણતર અને બર્માના ટીકવુડના ફર્નિચરથી સજ્જ આ ઈમારત આજે પણ સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહી છે. આ લાઈબ્રેરીમાં હસ્તપત્રો અને દુર્લભ ગેઝેટ સહિત ૮૮,૦૦૦થી વધુ પુસ્તકોનો અમૂલ્ય ખજાનો સંગ્રહિત છે.
સમયના વહેણ સાથે જર્જરિત થયેલી આ ઈમારતને અડીખમ રાખવા માટે ‘બ્યુટીફાય બાર્ટન’ કાર્યક્રમ અંતર્ગત પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, એક્રેલીક ઈન્ડસ્ટ્રીઝ અને કે.બી. ઈસ્પાત જેવી સંસ્થાઓ આગળ આવી છે. અમદાવાદની વિખ્યાત સેપ્ટ (CEPT) યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર હેરીટેજ કન્ઝર્વેશન’ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રીનોવેશન શરૂ કરવામાં આવ્યું છે, જે જૂન-જુલાઈ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તેમ બાર્ટન લાઇબ્રેરી ટ્રસ્ટના કૌશિકભાઈ ભટ્ટ, હિરેનભાઈ મહેતા, ભાવનગર સ્ટેજના રાજકુંવરી બ્રિજેશ્વરીદેવી ગોહિલ તથા હર્ષાબેન રામૈયા, અમિતભાઈ લંગારીયા વિગેરે દ્વારા લોકભાગીદારી માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
આ ઐતિહાસિક ધરોહરને આગામી ૫૦-૭૫ વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે રાજવી પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભાવનગરના નગરજનો અને પુસ્તક પ્રેમીઓને આર્થિક સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. લાઈબ્રેરીને આપવામાં આવતું દાન ઇન્કમટેક્સ એક્ટની કલમ 80(G) અને 12(AA) હેઠળ કરમુક્ત છે.દાન માટેની વિગત: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (દરબારગઢ શાખા), ખાતા નંબર: 56007016021, IFSCSBIN0060007.
ભાવનગરની અસ્મિતાને જાળવી રાખવા માટે આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા સૌને આહવાન કરવામાં આવ્યું છે.
