Headlines

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમુ બામણીયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં રૂ. 384.54 કરોડના ખર્ચે થનારજનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું

વિપુલ હિરાણી 

ભાવનગર તા.૮

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ હેઠળ ₹ 384.54 કરોડના ખર્ચે જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમ, 1252 EWS-2 PMAY યોજના અંતર્ગત સિદ્સર ખાતે તૈયાર થયેલ 472 આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ તથા જુદા-જુદા સંવર્ગોના નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ લોકોની સુખાકારી માટેના વિકાસ કાર્યો સફળતાપૂર્વક હાથ ધરવા બદલ ભાવનગર મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રીએ મહિલા દિવસની ઉજવણીના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં ડબલ્યુ એસ-2 અંતર્ગત 472 પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં વિકાસની નવી ક્ષિતિજો સર થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસને વધુ ગતિ મળી છે. ભાવનગર શહેરમાં બે દિવસમાં 450 કરોડના ખર્ચથી જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું એ વિકાસની વણથંભી યાત્રા દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં સુવિધાસભર માળખું ઊભું થઈ રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. જે સરકારની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ કાર્યક્રમમાં મેયર  ભરતભાઈ બારડ, ધારાસભ્ય  સેજલબેન પંડયા અને  અનિરુદ્ધભાઈ દવે તથા સ્ટેન્ડિંગ ચેરમેન  રાજુભાઈ રાબડીયા એ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. ભાવનગર મહાનગપાલિકાના કમિશનર  એન.કે.મીનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ તકે મહાનુભાવો દ્વારા જુદા-જુદા સંવર્ગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. 1252 ઈ ડબલ્યુ એસ-2 પ્રધાનમંત્રી આવાસ  યોજના અંતર્ગત સિદ્સર ખાતે તૈયાર થયેલ 472 આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અને ચાવી અર્પણ કરવામાં આવી હતી. શ્રેષ્ઠ સફાઈ કામગીરી બદલ સફાઈ કામદારશ્રીઓને ચેક વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતા. આ તકે પાંચ ફાયર ફાઈટરને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષ નેતા  કિશોરભાઈ ગુરુમુખાણી, શાસક પક્ષ દંડક શ્રીમતી ઉષાબેન બધેકા, આગેવાન સર્વ દિગ્વિજયસિંહ ગોહિલ,  કુમારભાઈ શાહ,  ધવલભાઈ દવે,  કમલેશભાઈ મીરાણી વિવિધ કમિટીઓના ચેરમેન સહિત અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ નગરજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *