વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૨
આગામી તા. ૨ એપ્રિલનાં રોજ BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે. ૮ વર્ષનાં લાંબા અંતરાલ બાદ સ્વામીશ્રી ભાવનગર ખાતે પધારી રહ્યા હોય સંતો, હરિભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે. અને ભાવનગર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય ‘ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉત્સવો અનુસંધાને ભાવનગર અક્ષરવાડી ખાતે રવિવાર તારીખ ૨૨ ફેબ્રુઆરીનાં રોજ શહેરના મહાનુભાવો અને આજુબાજુનાં ગામનાં સરપંચો સહિત અનેક ભાવિક ભક્તો અને સાથે શહેરના તમામ પ્રેસ મીડિયા પરિવારનાં મિત્રોનું સંમેલન રાખવામાં આવ્યું હતું. રવિવારે સવારે રાખવામાં આવેલ આ સંમેલનમાં ૩૦૦ ઉપરાંતની સંખ્યામાં મહાનુભાવોનું સ્વાગત બાદ સારંગપુરથી પધારેલ સંસ્થાનાં વિદ્વાન સંત પૂ. જ્ઞાનનયન સ્વામી દ્વારા પૂજ્ય મહંત સ્વામિ મહારાજ અને સંસ્થાનાં વિશિષ્ટ કાર્યો વિશે સુંદર અને મનનીય પ્રવચન અને અંતમાં અક્ષરવાડીનાં વરિષ્ઠ સંત પૂ સોમપ્રકાશ સ્વામી દ્વારા ઉત્સવો માટે સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને વિશાળ સંખ્યામાં પધારેલ મહાનુભાવો અને પ્રેસ મીડિયાનાં મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
