– હત્યારાઓ સામે કડક પગલાની માંગ કરાઈ –
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬
મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.
નાની બાબતે જાહેરમાં બનેલી આ ઘટના માત્ર એક પરિવારનું દુઃખ નથી. પરંતુ સમગ્ર સોની સમાજના માન, સન્માન અને સુરક્ષાને પડકાર છે. તેવા પ્રતિભાવો ખંભાળિયાના સોની વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. આ કરુણ ઘટનાના વિરોધ સ્વરૂપે મોરબી અને રાજકોટ સોની બજાર દ્વારા પણ બંધ રાખવામાં આવી હતી. જેના અનુસંધાને આજરોજ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના વેપારીઓએ બપોર સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. અહીંના માંડવી ટીંબા વિસ્તારમાં સોની વેપારીઓ અને કારીગરો એકત્ર થયા હતા અને હત્યાના બનાવનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ સાથે દ્વારકા, મીઠાપુર, ઓખા, ભાટિયામાં પણ સોની વેપારીઓએ સજ્જડ બંધ પાડી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ નિર્દોષ યુવાનના હત્યારાઓ સામે દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરી અને કડક સજા કરવામાં આવે તેવી માંગ આ હડતાલ સાથે સોની વેપારીઓ દ્વારા સરકાર સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
