
– મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ થયા પુરસ્કૃત –
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્ઞાતિ અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સુંદર કાર્યક્રમમાં જ્ઞાતિના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.
સલાયા લોહાણા મહાજનના ઉપક્રમે પરિમલભાઈ ડી. નથવાણી લોહાણા મહાજન વાડી ખાતે રવિવારે સાંજે રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12 સુધીના 53 વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓ તેમજ રોકડ ભેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. સલાયા લોહાણા મહાજનના વડપણ હેઠળ યોજવામાં આવેલા આ સુંદર સામાજિક કાર્યક્રમમાં ખંભાળિયાના સિનિયર પત્રકાર કુંજનભાઈ રાડિયા, જયસુખભાઈ મોદી, હાર્દિક મોટાણી, ખુશાલ ગોકાણી અને સાહિલ રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાના એવા સલાયા ગામમાં લોહાણા મહાજનની આ પ્રકારે થતી સુંદર સેવા પ્રવૃત્તિઓને પત્રકાર કુંજનભાઈ રાડિયાએ તેમના વક્તવ્યમાં બિરદાવી હતી. આ સુંદર કાર્યક્રમ બદલ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી વી.પી. માનસેતાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના સન્માન સમારોહના આયોજનમાં લોહાણા મહાજન ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો સાથે જલારામ સેવા સમિતિના કાર્યકરોએ પણ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને આકર્ષક શૈલીમાં સંચાલન સલાયાના પત્રકાર અને એડવોકેટ આનંદ લાલએ કર્યું હતું. આભાર વિધિ સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલએ કરી હતી.







(ફોટો:- કુંજન રાડિયા)