જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬
ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા રાવલિયા પાડાથી પોસ એવી રામનાથ સોસાયટી વિસ્તારમાં જતા માર્ગે છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે છલકાયેલી રહેતી ગટરોથી આ વિસ્તારના રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.
ખંભાળિયાના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રાવલીયા પાડામાંથી કલ્યાણ બાગ અને મહત્વના રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી વચ્ચેના રસ્તે કોઈ કારણોસર સતત ગટર છલકાતી જોવા મળે છે. આ રસ્તો રકાબી જેવા ભાગમાં હોવાથી અહીંથી ગટરના પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે અહીં ગટરનું પાણી ભરાયેલું રહે છે. આ પરિસ્થિતિમાં સતત દુર્ગંધ વચ્ચે ગંદકીનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે. સાથે સાથે મચ્છરનો પણ ઉપદ્રવ વધે છે. છલકાતી ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા માટે રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર બને છે. અહીં વચ્ચે ઝૂંપડપટ્ટી જેવો રહેણાંક વિસ્તાર પણ હોય બાળકો આ ગંદકીનો ભોગ બને છે.
આ જ પરિસ્થિતિનું નિર્માણ ચોમાસામાં પણ થાય છે. આ ગંભીર મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. ત્યારે વ્યાપક હાલાકીનો સામનો કરી રહેલા સ્થાનિક રહીશો તથા રાહદારીઓ અને વાહન ચાલકોની પીડા પાલિકા તંત્ર સમજે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.





(ફોટો: કુંજન રાડિયા)
