પોરબંદર: કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમના નાણાં પરત અપાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વિગત મુજબ, કુતિયાણાના ખાગેશ્રી ગામના રહેવાસી રવિકુમાર કિશોરભાઈ ફળદુએ સરકારની NAFED યોજના હેઠળ મગફળીનું વેચાણ કર્યું હતું. જોકે, ટેકનિકલ ખામી અથવા ફ્રોડના કારણે તેમના હકના ₹1,80,845/- અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા. આ અંગે અરજદારે પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ઈન્ચાર્જ એસ.પી. સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. વાલા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બેંક મેનેજર સાથે સતત સંપર્ક સાધી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી અરજદારના પૂરેપૂરા નાણાં પરત અપાવ્યા છે. પોતાની મહેનતના પૈસા પાછા મળતા અરજદારે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

