Saturday June 21, 2025

ખંભાળિયાનો નકલી અધિકારી જીલ પંચમતીયા વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર

– ગાડી પરની લાલ લાઇટ, ખોટી નંબર પ્લેટ સહિતના મુદ્દે સાત દિવસના મંગાયા હતા રિમાન્ડ –

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૩૦૨૫

        ખંભાળિયામાં રહેતો અને ભેજાબાજ સાબિત થયેલો જીલ પંચમતીયા વિવિધ ગુનાઓમાં પોલીસના હાથ લાગ્યો છે. ત્યારે તાજેતરમાં પોલીસ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ કરી વિવિધ માહિતીઓ મેળવી અને જેલ હવાલે કરાયા બાદ શુક્રવારે પુનઃ તેની અટકાયત કરી, આજરોજ તેના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

         ખંભાળિયા પંથકમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં અહીંની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા જીલ પંચમતીયાએ એની પોતાની માલિકીની કારમાં ક્લાસ વન અધિકારીના હોદ્દાની પ્લેટ સાથે પોલીસે ઝડપી લઇ, તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો. આ પ્રકરણમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં તેના દ્વારા કરવામાં આવેલી આશરે અડધા કરોડ જેટલી રકમની છેતરપિંડી અને ફર્જી સરકારી ડોક્યુમેન્ટ, ખોટા આઈ-કાર્ડ સહિતનું થોકબંધ સાહિત્ય પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું હતું.

        પોલીસ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ તથા તેને પુનઃ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગઈકાલે શુક્રવારે પુનઃ તેની અન્ય ગુનામાં અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અનેક વિવિધ બાબતો પર હજુ પ્રકાશ પાડવાનો બાકી હોય, અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનીસ અધિકારી સી.એલ. દેસાઈ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી અને રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરાવી હતી.

        આજરોજ સાંજે જીલ પંચમતીયાને પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા અહીંની કોર્ટમાં રજૂ કરી, તેની પાસેની મોટરકારમાં પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે તેવી લાલ લાઈટ, ગાંધીનગર પાસિંગની અન્ય એક નંબર પ્લેટ, ઉપરાંત તેના દ્વારા અન્ય કોઈ વ્યક્તિને છેતરપિંડી કે બોગસ દસ્તાવેજમાં શિકાર બનાવવામાં આવ્યા છે કે કેમ તે સહિતના છ જેટલા મુદ્દાઓ સાથે સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે સંદર્ભે નામદાર અદાલતે આરોપીના તા. 1 સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

        છેલ્લા આશરે બે-ત્રણ વર્ષથી જીલ દ્વારા આ પ્રકારે બોગસ ડોક્યુમેન્ટ, છેતરપિંડીના જુદા જુદા કૃત્યને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હજુ રિમાન્ડમાં કેટલીક ચોંકાવનારી બાબતો પણ પ્રકાશમાં આવે તો નવાઈ નહીં.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top