જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬
ખંભાળિયા પંથકમાં તાજેતરમાં જુદા જુદા સ્થળોએ ચોરીના બનાવ બનવા પામ્યા હતા. જેને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થળોએ સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ “નેત્રમ” સાથે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા અને વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે અહીંના શક્તિનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિરની બાજુમાં રહેતા વિજય વનિત ગોદળીયા નામના 28 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા તેને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ઉપરોક્ત શખ્સ દ્વારા ખંભાળિયાના જુદા જુદા ત્રણ સ્થળોએથી કરેલી 5 નંગ એ.સી.ના કમ્પ્રેસર, બ્રાસના હેન્ડલ, વિગેરેની ચોરીની કબુલાત આપી હતી. આ પ્રકરણમાં પોલીસે ચોરીના 1,13,400 મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 115,450 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)
