જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬
દેવાધિદેવ મહાદેવના મહાપર્વ એવા મહાશિવરાત્રીની આજરોજ ખંભાળિયા પંથકમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ શિવ મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ શહેરમાં પરંપરાગત ખામનાથ મહાદેવની શોભાયાત્રા (વરણાંગી) નીકળી હતી.
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજે રવિવારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં આવેલા નાના-મોટા તમામ મંદિરોમાં વિવિધ અનેકવિધ ધાર્મિક આયોજનો થયા હતા. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શિવ ભક્તો દૂધ, જળ, પુષ્પ વિગેરે દ્વારા ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે ઉમટી પડ્યા હતા. ખંભાળિયામાં આવેલા પ્રાચીન એવા શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, કોટા ગામે આવેલા કોટેશ્વર મહાદેવ, દાત્રાણા ગામે આવેલા ધિંગેશ્વર મહાદેવ વિગેરે શિવ મંદિરોમાં ચાર પ્રહરની આરતી, દીપમાળા, રુદ્રી અભિષેક, પ્રસાદી, વિગેરેના સંયોજનોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
– ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી –
ખંભાળિયામાં સદીઓ જુના શ્રી ખામનાથ મહાદેવની આશરે સવાસો વર્ષોની પરંપરા મુજબ શિવ શોભાયાત્રા (વરણાંગી) નીકળી હતી. ચાંદીની પાલખીમાં ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીની ચાંદીની વજનદાર પ્રતિમા સાથેની પાલખી પીતાંબરધારી ભૂદેવોએ ખુલ્લા પગે લઈ અને આ શોભાયાત્રા રવિવાર (વરણાંગી) શહેરના જુદા જુદા માર્ગો પર ફરી, બપોરે શ્રી ખામનાથ મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, કાઉન્સિલર જગુભાઈ રાયચુરા, ભીખુભા જેઠવા, હાર્દિક મોટાણી સહિતના કાર્યકરો, શિવભક્તો જોડાયા હતા અને આસ્થા વ્યક્ત કરી હતી.


(ફોટો:- કુંજન રાડિયા)
