ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા
– ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું –
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬
ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.
ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો નીચે ઉતાર્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે આજે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે એકાએક વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો. વંટોળિયા પવનના કારણે ધૂળ અને ડમરીનું સામ્રાજ્ય છવાયું હતું. જેના કારણે ઠેર ઠેર કચરો ઉડતો જોવા મળ્યો હતો. મીની વાવાઝોડા જેવા ભારે પવનના પગલે ઠેક-ઠેકાણે દુકાનોના રસ્તા પર બેનરો ઉડતા જોવા મળ્યા હતા.
જોકે થોડીવાર બાદ પરિસ્થિતિ થાળે પડી હતી અને જનજીવન રાબેતા મુજબ ચાલ્યું હતું. ભર ઉનાળે અષાઢી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આજે બપોરે દ્વારકા તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. આ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં પણ વાઝડી સાથે અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ થયા ઠેર ઠેર ખેડૂતોને પાકમાં નુકસાની થવાને ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.


(ફોટો:- કુંજન રાડિયા)
