ઝોન-૧માં ૧૪૪ જ્યારે ઝોન-૨માં ૧૩૭ સ્પર્ધકો એકથી ત્રણ ક્રમે વિજેતા બન્યા
રાજકોટ, તા. ૭ જાન્યુઆરી
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ગત રોજ યોજાયેલી ઝોન-૧ તથા ઝોન-૨ની વિવિધ સ્પર્ધાઓમાં કુલ મળીને ૨૮૧ રમતવીરો વિજેતા બન્યા છે. જેમાં ઝોન-૧માં ૧૪૪ રમતવીરો જ્યારે ઝોન-૨માં ૧૩૭ ખેલાડીઓએ એકથી ત્રણ ક્રમમાં આવ્યા છે.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૯૪,૫૩૩ ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કુલ ૧,૮૯,૨૭૨ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ રમતોત્સવમાં ગત રોજ રાજકોટના એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં રાજકોટના ઝોન-૧ તથા ઝોન-૨ના રમતવીરોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને ૧૭ તેમજ ઓપન કેટેગરીના ખેલાડીઓએ ઝુકાવ્યું હતું. ગત રોજ એથેટીક્સમાં ૩૦ મીટરથી લઈને ૩૦૦૦ મીટર સુધીની વિવિધ અંતરની દોડની સ્પર્ધાઓ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ઊંચી કુદ, લાંબી કુદ તેમજ ગોળા ફેંક, ચક્ર ફેક તથા બરછી ફેકની સ્પર્ધાઓ થઈ હતી. જેના પરિણામ સામે આવ્યા છે.
એથ્લેટિક્સ ઝોન-૧માં કુલ મળીને ૭૯ બોય્ઝ તથા ૬૫ ગર્લ્સે પ્રથમથી તૃતિય ક્રમાંક હાંસલ કર્યો હતો. ઝોન-૧માં કુલ મળીને ૧૪૪ ખેલાડીઓ વિજેતા બન્યા છે. જ્યારે ઝોન-૨માં ૭૨ બોય્ઝ અને ૬૫ ગર્લ્સ મળીને કુલ ૧૩૭ ખેલાડીઓએ પ્રથમથી તૃતિય ક્રમાંક હાંસલ કર્યો છે. બંને ઝોનમાં કુલ મળીને ૨૮૧ ખેલાડીઓ વિજેતા બન્યા છે.
ઝોન-તાલુકા કક્ષાએ સ્પર્ધામાં વિજેતા ખેલાડીમાં, વ્યક્તિગત રીતે પ્રથમ વિજેતાને રૂ.૧૫૦૦, દ્વિતીય વિજેતાને રૂ. ૧૦૦૦ તથા તૃતિય વિજેતાને રૂ.૭૫૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઝોન કક્ષાએ પ્રથમ બે ક્રમમાં આવેલા રમતવીરો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. જ્યાં પ્રથમ બે વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ પામશે.