દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા જિલ્લા પોલીસનું વ્યુહાત્મક આયોજન

– સંયમ અને તકેદારીપૂર્વક નવા વર્ષની ઉજવણી કરવા લોકોને પોલીસની અપીલ –

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫

      દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા ડીવાયએસપી સાગર રાઠોડ તથા વિસ્મય માનસેતાની રાહબરી હેઠળ 31 ડિસેમ્બરે પૂર્ણ થતા 2025 નું વર્ષ અને 2026 ને આવકારવા માટે થનાર ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંન્ને વિભાગીય પોલીસ અધિક્ષક, સહિતના અધિકારીઓ તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે. જેમાં જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે અલગ અલગ ટીમો બનાવીને વ્યુહાત્મક આયોજન કરવામાં આવ્યું છે.

       જે અંતર્ગત પોલીસ બંદોબસ્તમાં 33 અધિકારીઓ, 234 કર્મચારીઓ, સાથે 441 જેટલા અન્ય જવાનો મળીને કુલ 758 અધિકારી અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.

      જેમાં સોંપાયેલી કામગીરીમાં તમામ થાણા અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમોને બનાવી કુલ 14 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આ તમામ ચેક પોસ્ટ ઉપર એક અધિકારી અને પોલીસ ટીમની ફાળવણી કરી અને વાહન ચેકીંગ તેમજ બ્રેથ એનેલાઈઝર મારફતે શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકીંગ હાથ ધરવામાં આવશે. તમામ ચેક પોસ્ટ ખાતે બોડીવોર્ન કેમેરા, વોકીટોકી સેટ વિગેરે જેવી તમામ સુવિધાઓ સાથે તમામ વાહનનું ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવશે.

      જિલ્લાની ખાસ ટીમો દ્વારા હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા તથા ફાર્મ હાઉસ અને મહેફીલો યોજી શકાય તેવા સ્થળોએ સઘન ચેકીંગ કરવામાં આવનાર છે.

      આગામી દિવસોમાં ખાસ નાઈટ કોમ્બીંગ હાથ ધરી, નામચીન તેમજ આવારા શખ્સો, જિલ્લાના એચ.એસ./એમ.સી.આર., અસામાજીક તત્વોને ખાસ ચેક કરવામાં આવનાર છે. ટ્રાફીક શાખા દ્વારા હાઈ-વે ઉપર સતત પેટ્રોલીંગ જારી રાખીને શકમંદ, બ્લેક ફિલ્મ વાળા તથા પુરપાટ ઝડપે ચાલતા વાહનો વિરૂધ્ધમાં એમ.ટી.એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

       ખંભાળિયા તથા દ્વારકા વિસ્તારના ભીડભાડ વાળા વિસ્તાર ઉપર ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે. જિલ્લાની સોશ્યલ મીડિયા ક્યુ.આર.ટી.(સાયબર સેલ) દ્વારા ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વીટર જેવી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવામાં આવતા ફોટો/વિડિયો/પોસ્ટ તેમજ અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની એક્ટિવિટી ઉપર પણ ધ્યાન રાખવામાં આવનાર છે. અશ્વદળ દ્વારા પેટ્રોલીંગ કરી, ખંભાળિયા ના અંતરિયાળ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. મહિલા પોલીસની સી-ટીમો દ્વારા પણ ખાનગી રીતે પેટ્રોલીંગ રાખી રોમીયોગીરી કરનાર આવારાતત્વો ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

      થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન પોલીસની ખાસ અપીલમાં જણાવાયું છે કે બિન જરૂરી ટ્રાફીક અને ટોળા થાય તે રીતે જાહેરમાં નીકળવાનું ટાળવુ, ઉપયોગમાં લેવાતા વાહનોના આર.સી.બુક, પી.યુ.સી., વિમો, લાઈસન્સ તેમજ જરૂરી કાગળો સાથે રાખવા, બહાર નીકળતી વખતે વ્યક્તિગત ઓળખકાર્ડ સાથે રાખવું, કોઈપણ વ્યક્તિઓ દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીની પાર્ટીની આયોજન કરવામાં આવ્યાનું જણાય તો નજીકના પોલીસ સ્ટેશન ખાતે અથવા 112 નંબર ઉપર જાણ કરવી. વાહન ચલાવવામાં પુરતી તકેદારી રાખવી, તંત્રની પૂર્વ મંજૂરી વગર ડી.જે. કે લાઉડ સ્પીકર તેમજ ઘોંઘાટ થાય તેવા કોઈ ઉપકરણો વગાડવા નહિં, સોશિયલ મીડિયા પર ઉત્તેજક પોસ્ટ, ફોટા કે વિડિયો અપલોડ કરવા નહિં તેમજ તેવી કોઈપણ પોસ્ટને સમર્થન આપવું નહિં, કોઇપણ પ્રકારના કેફી પદાર્થનું સેવન કરવું નહી અને આવા સેવન કરતા લોકોની પાર્ટીમાં સામેલ થવું નહી તેમજ આવી કોઇ માહિતી મળે તો જિલ્લા પોલીસનો સંપર્ક કરવો.

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *