- નવા ફોજદારી કાયદા સ્પર્ધામાં વિજેતાઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે –
(કુંજન રાડિયા દ્વારા)
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક જાગૃતિનો અનોખો અભિગમ દાખવીને જિલ્લાના લોકો માટે નવા કાયદાની જાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) ના ત્રણેય નવા કાયદાની થીમ ઉપર ચિત્ર, ઓડિયો અને વિડિયો બનાવવાની સ્પર્ધાનું અનોખું આયોજન કરાયું છે.
આ સ્પર્ધામાં તારીખ 15 જૂન સુધીમાં કોઈપણ વ્યક્તિ તેમના દ્વારા બનાવવામાં આવેલા ચિત્ર, ઓડિયો અને વિડિયો dysp-jam-dbdwarka@gujarat.gov.in ઈ-મેઈલ એડ્રેસ ઉપર પોતાના નામ, સરનામા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ સાથે મોકલી શકશે. તારીખ 15 જૂન બાદ આવેલી કોઈપણ કૃતિ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ પણ એક યાદીમાં જણાવ્યું છે.
આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે "ટેલેન્ટ બતાવો અને ઇનામ મેળવો" ના કોન્સેપ્ટ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે 5000, 3000 અને 2000 તેમજ ઓડિયો સ્પર્ધામાં અનુક્રમે 15000, 10000 અને 5000 તથા વિડીયો સ્પર્ધામાં રૂ. 20000, 15000 અને 10000 ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઉપરોક્ત સ્પર્ધાનું પરિણામ નક્કી થયેલા કમિટીના સભ્યો દ્વારા ચકાસણીના અંતે આગામી તા 20 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. જે મીડિયાના જુદા જુદા માધ્યમથી જાહેર થશે.
કોઈપણ એક વ્યક્તિ એક જ કૃતિ અને એક જ ઈ-મેઈલ એડ્રેસથી મોકલી શકશે તેમ પણ વધુમાં જણાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ અનોખી પહેલ જિલ્લાના લોકોમાં આકર્ષણ સાથે આવકારદાયક બની રહી છે.
(કુંજન રાડિયા)